ખાસ-ખબર ન્યૂઝ દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર સર્કલથી કજુરડા પાટિયાનો કમર તોડી નાખે તેવો રોડ જોતાં તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે રોડ નવો બનાવવામાં આવ્યો હતો પણ બે વર્ષની અંદર જ રોડ સાવ તૂટી ગયો છે અને એમાં ઢગલાબંધ ખાડા પડી ગયા છે કે માણસના કમરના મણકા ભાંગી નાખે તેવો રોડ થઈ ગયો છે. આ રોડ તેર કિલોમીટરનો છે અને સીંગલ પટ્ટી રોડ છે. આ રોડ પરથી સામેથી વાહન આવતું હોય તો ગાડી સાઈડમાં રાખવી પડે તેથી અકસ્માતનો ભય રહે છે. તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન કરે છે. આ રોડની હાલત એકદમ ગંભીર બનતી જાય છે જેથી વાહનચાલકોને માટે મોતની લટકતી તલવારની માફક અકસ્માતનો ભય ઝળુંબી રહ્યો છે અને વારંવાર અકસ્માત પણ થાય છે અને વાહનોમાં નુકસાન થાય છે તે જવાબદારી કોની? શું લાખો રૂપિયાના રોડની કોઈ ગેરંટી નહીં હોય? જો ગેરંટી હોય તો રોડ પરથી કાંકરી નીકળી જાય કે ખાડા પડી જાય અને રોડ જ ગાયબ થઈ જાય?
- Advertisement -
આ રોડ ઢગલો રજૂઆતો પછી બનાવવામાં આવ્યો હતો અને બે જ વર્ષમાં રોડનું પૂરું થઈ ગયું છે. આ રોડ પરથી વાડીનાર, ભરાણા, ટીંબડી, નાના આંબલા, મોટા આંબલા, કજુરડા, કજુરડા પાટિયા સહિત ગામો આવેલા છે. જે સાત ગામોના ટૂંક સમય પહેલાં જ ગ્રામ પંચાયતના લેટર પર કલેકટરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. તેથી ગ્રામજનો, વેપારી, શિક્ષકો, મજુર વર્ગ, કોન્ટ્રાક્ટર તેમજ મુસાફરી કરતા લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા એરિયામાં સહાયથી વંચિત, ભાજપના રાજમાં રસ્તામાં ખાડા કે ખાડામાં પૈસા તેવી લોકચર્ચા જાગી છે. આ રોડ વાડીનારથી કજુરડા પાટિયા પહોંચવામાં માત્ર 15 મિનિટ લાગતી, હવે તે જ રોડમાં પોણી કલાક લાગે છે. જો તંત્ર દ્વારા ચકાસણી કરી રોડ બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર જવા ગ્રામજનોની ઉગ્ર માંગ છે અને તંત્ર જાગે અને લાજ કાઢવાનું બંધ કરે તેવી લોકચર્ચા જાગી છે.