ટંકારામાં ભાજપ ઉમેદવારને મત આપતા ફોટા બાદ મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારને મત આપતા બે ફોટા વાયરલ થયા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાની ત્રણેય બેઠક પર શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહેલા મતદાન વચ્ચે મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હોવાનું સામે આવતા જબરી હલચલ મચી ગઇ છે જેમાં પહેલા ટંકારામાં ભાજપના ઉમેદવારને મત આપતા હોય એવા ફોટા વાયરલ થયા બાદ આ ઘટના મોરબીમાં પણ બનતા ચૂંટણી તંત્ર ચોંકી ઉઠ્યું છે.
મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર ચાલી રહેલા મતદાન વચ્ચે બૂથમાં કોઈ વ્યક્તિ ઈવીએમ મશીનમાં અલગ અલગ પક્ષના ઉમેદવારોને મત આપતો હોય તેવા ફોટો વાયરલ થયા છે. સૌપ્રથમ ટંકારા બેઠકમાં ભાજપના ઉમેદવારને મત આપતો ફોટો વાયરલ થયા બાદ મોરબી બેઠકના ભાજપના ઉમેદવારને મત આપતો ફોટો વાયરલ થયો છે તો મોરબી બેઠકના કોંગ્રેસ ઉમેદવારને મત આપતો બીજો એેક ફોટો પણ કોંગ્રેસના એક વોટસએપ ગ્રુપમાં જોવા મળ્યો હતો.
આ ફોટામાં ફક્ત ઈવીએમ મશીનમાં પક્ષના ચિહ્ન પર બટન દબાવતો અંગૂઠો જ દેખાઈ છે. કઈ વ્યક્તિ મત આપે છે તેનો ચહેરો જોવા મળતો નથી. મતદાન બુથ ઉપર ચુસ્ત પોલીસ અને અર્ધ લશ્કરી દળો તેમજ પોલિંગ સ્ટાફની હાજરી વચ્ચે પણ મતદાનની ગુપ્તતાનું ખંડન થતા ચૂંટણી તંત્ર વધુ સતર્ક બન્યું છે અને મતદાનની ગોપનીયતા જળવાઈ રહે તેવી વિશેષ કાળજી રાખવા તેમજ આવી હરકત કોણે કરી તે દીશામાં ચૂંટણી તંત્રએ તપાસ હાથ ધરી છે.