જિલ્લામાં આશરે 72.72% મતદાન નોંધાયું
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
22 જૂનના રોજ ગુજરાત રાજ્યમા ખાલી પડેલ ગ્રામ પંચાયતની સામાન્ય,વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં અમરેલી જીલ્લામાં 77 ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ 12 સભ્યો માટે પેટા ચૂંટણી એમ કુલ 89 ગ્રામ પંચાયત માટેનું મતદાન થયું હતું. અમરેલી જીલ્લા ભરમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું હતું. જેમાં અમરેલી તાલુકાની 6 ગ્રામ પંચાયતમાં 72.30%, બાબરા તાલુકાની 10 ગ્રામ પંચાયતમાં 75.10%, ધારી તાલુકાની 16 ગ્રામ પંચાયતમાં 68.74%, જાફરાબાદ તાલુકાની 4 ગ્રામ પંચાયતમાં 69.43%, ખાંભા તાલુકાની 8 ગ્રામ પંચાયતમાં 78.62%, વડીયા તાલુકાની 5 ગ્રામ પંચાયતમાં 76%, લાઠી તાલુકાની 7 ગ્રામ પંચાયતમાં 68% , લિલીયા તાલુકાની 3 ગ્રામ પંચાયતમાં 67.39%, રાજુલા તાલુકાની 9 ગ્રામ પંચાયતમાં 76.68%, સાવરકુંડલા તાલુકાની 9 ગ્રામ પંચાયતમાં 72.26% મતદાન થયું હતું. રાજુલા તાલુકાના હાલ 3 ગ્રામ પંચાયત સમરસ બની છે. અને 9 ગ્રામ પંચાયત અને 1 સભ્યની પેટા ચૂંટણી માટે સવારથી જ મતદારો મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતાં. અને કોઇ અનિરછનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. પલાસ સહિત પોલીસ સ્ટાફ દ્વારા સતત મતદાન મથકો પર દેખરેખ રાખવામાં આવી રહી હતી. અને સ્થાનિક નેતાને વિજેતા બનાવા માટે મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજના 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. જીલ્લાનું કુલ 72.72 ટકા મતદાન થયું અને રાજુલા તાલુકાનું કુલ 76.68 ટકા મતદાન યોજાયુ હોવાની વિગતો સામે આવી હતી. બીજી તરફ જાફરાબાદ તાલુકામાં 4 ગ્રામ પંચાયત અને 1 સભ્ય માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જાફરાબાદ તાલુકાના દરિયાઇ ટાપુ વરચે શીયાળબેટ ગામ આવેલું છે.
- Advertisement -
અહીં ગામમાં માત્રને માત્ર બોટ મારફતે પ્રવેશ મેળવી શકાય છે. અહીં ગામમાં દસ હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ છે. અહીં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને મતદાન કરવા માટે મતદાન મથકે લોકો ઉમટ્યાં હતાં. જાફરાબાદ તાલુકાનું કુલ 69.43 ટકા મતદાન નોંધાયું હતું. અને હવે તમામની 25 જૂનના રોજ મત ગણતરી પર નજર રહેશે. અને નવા સરપંચ તેમજ સભ્યોની પસંદગી થશે. અને તમામ ગ્રામ પંચાયત માટે મતગણતરી 25 જૂને યોજાશે. અમરેલી જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં તંત્રેએ હાશકારો અનુભવ્યો હતો.