રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની યાત્રા પર છે. ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે તે અમેરિકન પ્રમુખને ખટકે છે પણ ભારત એને મચક આપી રહ્યું નથી.ક્ષિતિજે ભારત રશિયાની એક ધરી ઉગતી દેખાય છે.
પણ ભારત અને રશિયા બેય ત્રાસ પીડિત છે. ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનડે છે તો રશિયાને અમેરિકાને ખિલ્લે કૂદતું યુક્રેન.
- Advertisement -
આ બધી પળોજણ પાછળનો ઇતિહાસ છે જેમાં વ્લાદિમીર નામ બહુ મોટો ભાગ ભજવી ગયું. રશિયા,યુક્રેન અને સોવિયેત રશિયાથી અલગ પડેલા દેશોમાં આજે પણ વ્લાદિમીર નામ સહુથી વધુ પ્રચલિત છે. વલાદીમિર પુતિન પચીસ વર્ષથી રશિયા ઉપર એકહથ્થુ શાસન કરતા શક્તિશાળી શાસક સાબિત થયા છે. સામે યુક્રેનનો શાસક પણ વ્લાદિમીર (ઝેલેન્સ્કી) જ છે.
પ્રશ્ન એમ થાય કે કેમ રશિયા બાજુ વ્લાદિમીર નામ આટલું બધું પ્રચલિત છે? આ નામે ઇતિહાસમાં એવું તે શું કર્યું કે આં નામ હજી પણ એટલું જ ચલણી છે??
ચાલો જાણીએ.
- Advertisement -
લગભગ દસમી સદીમાં ઇગોરોવિચ સ્વિયાતોસ્લાવ નામનો એક શાસક આજના યુક્રેનના કીવમાં થઈ ગયો. આ શાસક પરમ પ્રતાપી હતો. રશિયામાં મૂર્તિપૂજા પ્રચલિત હતી. અનેક મંદિરો હતા, દેવળો હતા જેમાં મૂર્તિઓ સ્થાપિત થતી અને એની પૂજા થતી. સમ્રાટ ઇગોરવિચ આવો મૂર્તિપૂજક શાસક હતો. ઈગોરોવિચ સ્વીયાતોસ્લાવની મૂર્તિઓ અને ચિત્રો યુક્રેન અને રશિયામાં ઠેર ઠેર છે એમાં એના માથા ઉપર શિખા (ચોટી) પણ અવશ્ય જોવા મળે છે. કેમકે એના સમયના એના ચિત્રોમાં એના માથા ઉપર ચોટી અવશ્ય બતાવવામાં આવતી.
એક આડવાત : ભારતના સ્વાતંત્ર્યવીર અને વિચારક લોકમાન્ય બાલગંગાધર ટિળક માનતા કે ભારતીય સભ્યતા ઉત્તરથી (રશિયા અને ઉત્તર ધ્રુવથી) ભારતમાં ઉતરી આવેલી છે.
મૂળ વાત પર પાછા ફરીએ તો આ સમ્રાટ સ્વિયાતોસલાવ કિવ સામ્રાજ્યને ઘણું ફેલાવીને વીરગતિ પામ્યો. પણ એના જીવતે જીવ એની સગી માતાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લીધેલો અને એ પણ સડસઠ વરસની ઉંમરે. પરંતુ સમ્રાટ સ્વિયતોસ્લાવ હમેશા, મરતે દમ તક, મૂર્તિપૂજક રહ્યો .
સ્વિયાતોસ્લાવના ગયા બાદ એના ત્રણ પુત્રો (જે અલગ અલગ માતાના દીકરા હતા) વચ્ચે રાજગાદી માટે તડાફડી શરૂ થઈ. આ તડાફડીમાં વિજેતા થયો સ્વિયાતોસ્લાવ નો એક પુત્ર : વ્લાદિમીર. (બાકીના બે પુત્રોને વ્લાદિમીરે મરાવી નાખ્યા એમ કહેવાય છે)
આ એ જ વ્લાદિમીર જેના નામના ગુણગાન આખો રશિયન પ્રદેશ આજે પણ ગાય છે. કેમકે વ્લાદિમીર રશિયાનો પહેલો ખ્રિસ્તી શાસક હતો. વલાદીમિરે ખ્રિસ્તી ધર્મને રાજ્ય ધર્મનું બિરુદ આપ્યું. મૂર્તિ પૂજક રશિયનો ખ્રિસ્તી બનવા લાગ્યા. રશિયન મંદિરો (જેમાં મૂર્તિઓ હતી એવા દેવ સ્થાન) ને ચર્ચ બનાવી દેવાયા. અને આમ, રશિયન ઓર્થોડોક્સ ચર્ચની સ્થાપના થઈ.
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ખ્રિસ્તી ધર્મ એક જ ધર્મ છે પરંતુ એ સાવ સાચું નથી. ખ્રિસ્તી ધર્મમાં અનેક ફાંટાઓ છે જે એકબીજાથી ભિન્ન પ્રથાઓ ધરાવે છે, ભિન્ન ચર્ચ ધરાવે છે. આવું એક ચર્ચ રશિયન ઓર્થોડોક્સ ચર્ચ કહેવાય છે કે જે વ્લાદિમીરના સમયમાં સ્થપાયું.
મૂર્તિપૂજક રશિયા આમ માંડ હજારેક વર્ષ પહેલાં જ ખ્રિસ્તી બન્યું છે. પણ વ્લાદિમીર ધર્મ બાબતે ચુસ્ત અને કડક હતો. રશિયામાં ખ્રિસ્તી ધર્મ ફેલાય એની માટે વ્લાદિમીર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા. બદલામાં વ્લાદિમીર નું નામ સંત વ્લાદિમીર તરીકે જાણીતું બન્યું કેમકે એણે ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ કામ કર્યું હતું.
સત્તરમી જુલાઈ નો દિવસ આજે પણ રશિયા અને યુરોપમાં ફિસ્ટ ડે તરીકે ઉજવાય છે જે સંત વ્લાદિમીર ની સ્મૃતિમાં છે.
ભૂતપૂર્વ કે જી બી (રશિયન જાસૂસી સંસ્થા) એજન્ટ વ્લાદિમીર પુતિન એક કડક અને શક્તિશાળી શાસક સાબિત થયા
આમ, વ્લાદિમીર રશિયન સમાજનું લાડકું નામ બન્યું.સમય જતાં કીવ થી શરૂ થયેલું રશિયન રજવાડું એક અત્યંત વિશાળ સામ્રાજય બની ગયું.. રશિયાનું પાટનગર વર્ષો સુધી કિવ(જે આજે યુક્રેનની રાજધાની છે તે) રહ્યું. રશિયા એક વિશાળ સત્તા તરિકે ઉભરી આવ્યું.
પણ કુટિલ અમેરિકનો ને રશિયન શક્તિઓ વધે એમાં ભવિષ્યમાં ખતરો જણાયો. આથી રશિયાને સામ્યવાદી લોહિયાળ ક્રાંતિના ખપ્પરમાં હોમી દેવાયું.મૂર્તિપૂજક સમ્રાટ ઇગીરોવિચ સ્વિયાતોસ્લવનું રશિયા ગરીબ અને ભ્રષ્ટાચાર થી ખદબદતું બીમાર રાષ્ટ્ર બની ગયું.
નેવુંના દાયકાની પહેલા ભેંસના શિંગડા ભેંસને ભારે ને ન્યાયે રશિયા પડી ભાંગ્યું અને અનેક દેશો એમાંથી છૂટા પડ્યા. રશિયા બિસ્માર, લાચાર અને અશક્ત સિંહ જેવું હતું.
સમય જતાં રશિયન શાસકોને ડહાપણની દાઢ ફૂટી. એમને જાણ થઈ કે સામ્યવાદ એક “બ્રેક” છે. બ્રેક થી ગાડી ચાલી શકે નહિ. બ્રેક ઉપયોગી છે પણ ગાડી ચલાવવા તો લીવર દાબવું પડે,પેટ્રોલ બાળવું પડે. આથી રશિયન શાસકોએ સામ્યવાદ નો ધીમે ધીમે ત્યાગ કરીને મૂડીવાદ તરફ ધીમે ધીમે પ્રયાણ આદર્યું.
લગભગ ઇસ 2000માં રશિયન નાગરિકોને સમ્રાટ ઇગોરોવિચ સ્વિયતોસલાવ જેવો પ્રતાપી અને એના પૌત્ર વ્લાદિમીર જેવો મહાત્વાકાંક્ષી નેતા મળ્યો જેનું નામ હતું : વ્લાદિમીર પુતિન.
ભૂતપૂર્વ કે જી બી (રશિયન જાસૂસી સંસ્થા) એજન્ટ વ્લાદિમીર પુતિન એક કડક અને શક્તિશાળી શાસક સાબિત થયા.
જેહાદી ત્રાસવાદ, નકામા સામ્યવાદ અને અમેરિકન દખલગીરી તમામ અનિષ્ટો સામે બળ અને કળ એમ બેય રીતે એણે કામ લીધું અને રશિયાને મજબૂત બનાવ્યું.
સામ્યવાદના કારણે જેની કમર ભાંગી ગયેલી તે રશિયા આજે ફરી સમ્રાટ ઇગોરોવિચ સવિયાતોસ્લાવ ના સમય ની મહાનતાને પ્રાપ્ત કરી રહ્યું છે.
યુક્રેનને રશિયામાં ભેળવી દેવાનો મનસૂબો ધરાવતા પુતિન ને જ્યાંથી રશિયન સામ્રાજ્ય શરૂ થયું તે ફળદ્રુપ અને ખનીજ સમૃદ્ધ જમીન પાછી મેળવીને રશિયાને ફરી મહાન બનાવવું છે.
વ્લાદિમિર નામનો અર્થ જ થાય છે : વિશ્વ વિજેતા.



