વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે આયોજન
રેણુબેન યાજ્ઞિક, અલ્કાબેન વોરા, કવયિત્રી લક્ષ્મીબેન ડોબરીયા, કોકિલકંઠી ગાયિકા નિધિબેન ધોળકીયા, હીરાબેન માંજરીયાને તેઓના નિવાસસ્થાને જઈ બિરદાવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા 8મી માર્ચે વિશ્ર્વ મહિલા દિવસે રાજકોટનગરમાં વર્ષોથી સેવા-નારી ઉત્કર્ષ, સાહિત્ય, નાટ્ય, શિક્ષણ, ગીત-સંગીતના ક્ષેત્રમાં કાર્યરત જેમની પાસે જીવનના અનુભવનું બહુ મોટું ભાથું છે તેવા શહેરના પાંચ પ્રતિભાશાળી બહેનો- નારીરત્નોનું તેમના નિવાસસ્થાને જઈને ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન કરવામાં આવશે.
સંસ્થા દ્વારા વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે સન્માનિત નારીરત્નોમાં મનુભાઈ વોરા મેમોરિયલ ટ્રસ્ટ અને સીઝન સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી- માનવતાવાદી અલ્કાબેન વોરા વર્ષો સુધી આકાશવાણી રાજકોટમાં ઉદ્ઘોષિકા તરીકે ફરજ બજાવનારા બહેનો અને બાળકોના કાર્યક્રમથી નાનીબેન તરીકે જાણીતા તેમજ છ દાયકાથી વધુ સમયથી નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અભિનેત્રી, નિર્માત્રી, દિગ્દર્શક ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા રંગભૂમિને સમર્પિત રેણુબેન યાજ્ઞિક, ગુજરાતી સાહિત્ય જગતમાં આદરભર્યુ સ્થાન ધરાવતા ગુજરાતી ગીત-ગઝલના પ્રથમ હરોળના કવયિત્રી મેયર એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મેળવનારા કવયિત્રી લક્ષ્મીબેન ડોબરીયા, જેમના અસંખ્ય આલબમ અને કેસેટો બહાર પડી છે, દેશ-વિદેશમાં શ્રીનાથજીની ઝાંખી, લગ્નગીતો સહિતના કાર્યક્રમો યોજાયા છે તેવી કોકિલકંઠી ગાયિકા, ગુજરાતનું ગૌરવ એવા નિધિબેન ધોળકીયા, સૌરાષ્ટ્રની 96 વર્ષ જૂની ગાંધી વિચારને વરેલી બાલમંદિરથી ઉચ્ચત્તર માધ્યમિક સુધીની શૈક્ષણિક સંસ્થા કડવીબાઈ વિદ્યાલયના નિયામક, કુશળ વહીવટકર્તા હીરાબેન માંજરીયાનું તેઓના નિવાસસ્થાને રૂબરૂ જઈને શહેરના પાંચ ગૌરવવંતા નારીરત્નોનું સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ આપી, ખેસ પહેરાવી, સ્મૃતિ ભેટ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન કરવામાં આવશે.
સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ જોષી, જનાર્દનભાઈ આચાર્ય, વિપુલભાઈ ભટ્ટ, નૈષધભાઈ વોરા, દિનેશભાઈ ગોવાણી, મહેશભાઈ જીવરાજાની, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ વ્યાસ, દક્ષિણભાઈ જોષી, રમેશભાઈ શીશાંગીયા, કિશોર ટાકોદરા, ઉર્મિશ વ્યાસ વગેરે કાર્યરત છે.