આશ્રમના પટાંગણમાં ગાંજાના છોડનું વાવેતર પકડાતા ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ જિલ્લાના પાટવડ કોઠા સ્થિત આવેલી રવેચી ધામ આશ્રમના મહંત જયભારતી ઉર્ફે ચારણ મહાત્મા ગુરુ રામપ્રકાશ ભારતીને એનડીપીએસ એક્ટની કલમ 8(બી), 20(એ) તથા 22(બી)ના ગુન્હામાં વિસાવદર સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલી સજાનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં સ્થગિત કરવામાં આવ્યો છે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ભેસાણ પોલીસ સ્ટેશન, જૂનાગઢના અંગત બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળેલી કે ભેસાણ તાલુકાના મલિડા ગામની બાજુમાં પાટવડ કોઠા વિસ્તારમાં સરખડીયા હનુમાનના રસ્તા પર ફોરેસ્ટ નાકાની બાજુમાં રવેચી માતાના મંદિરના સાધુએ મંદિરના પટાંગણમાં ગેરકાયદે રીતે ગાંજાના છોડનું વાવેતર કરેલું છે, જે નાર્કોટિક્સની બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી રેડની કાર્યવાહી કરતાં ઉપરોક્ત જગ્યામાં ગાંજાના ગેરકાયદે છોડનું વાવેતર મળી આવતા રવેચી ધામ આશ્રમના મહંત જયભારતી ઉર્ફે ચારણ મહાત્મા ગુરુ રામપ્રકાશભારતીની તા. 10-9-2020ના રોજ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ તપાસનીશ અધિકારી દ્વારા તમામ પુરાવાઓ મેળવવાની, નિવેદનો નોંધવાની અને એફ.એસ.એલ.માં જરૂરી નમૂનાઓ પરિક્ષણ માટે મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. સમગ્ર તપાસના અંતે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવાઓ મળતા વિસાવદર સેશન્સ કોર્ટમાં તા. 4-11-2020ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી હતી. ચાર્જશીટના આધારે સમગ્ર કેસ ચાલી જતાં તમામ દસ્તાવેજી તેમજ મૌખિક પુરાવાઓને ધ્યાને લઈ એડી. સેશન્સ જજ વિસાવદર દ્વારા તા. 8-10-2024ના રોજ મહંત જયભારતી ઉર્ફે ચારણ મહાત્મા ગુરુ રામપ્રકાશ ભારતીને સજાનો હુકમ ફરમાવવામાં આવેલો હતો.
- Advertisement -
તપાસેલા એક પણ સાહેદ દ્વારા ગાંજાના છોડનું કોના દ્વારા વાવેતર કરવામાં આવેલું છે તે જણાવી શક્યા નથી, વધુમાં બનાવવાળી જગ્યા આરોપીની માલિકી- કબજા ભોગવટાની હોય તેવો કોઈપણ પુરાવો ફરિયાદ પક્ષ રજૂ કરી શકેલી નથી, વધુમાં પ્રતિબંધિત ગાંજાનું કોન્સિયસ પઝેશનનો આ કેસ નથી. બંને પક્ષોની દલીલોના અંતે બચાવપક્ષની દલીલોને માન્ય રાખીને રવેચી ધામ આશ્રમના મહંતને એનડીપીએસ એક્ટના ગુન્હામાં વિસાવદર સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલો સજાનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં સ્થગિત કરવામાં આવેલો છે.ઉપરોક્ત કેસમાં રવેચી ધામ આશ્રમના મહંત જયભારતી ઉર્ફે ચારણ મહાત્મા ગુરુ રામપ્રકાશભારતી વતી ગુજરાત હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા અને જયદીપ એમ. કુકડીયા રોકાયેલા હતા.