ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
વિસાવદર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર યોજના તથા નલ સે જલ યોજના હેઠળ નવી પાણીની લાઈનો નાખવાના કામમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોય અને તેમાં જિલ્લાના એક ચોક્કસ પક્ષના આગેવાનો દ્વારા એજન્સીમાં સામેલ થઈ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ હોય તે બાબતે એક આગેવાન દ્વારા આ બાબતેની સમગ્ર માહિતી એકઠી કરવામાં આવેલ છે અને ગમે તે ઘડીએ પોલીસ ફરિયાદ અથવા તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવનાર છે ત્યારે નવી ચૂંટાયેલી બોડીમાં ભાજપના 21 જેટલા સભ્યો ચૂંટાયેલા છે સામે વિરોધ પક્ષમાં પણ કોઈ વાંધો વિરોધ કરે તેમ નથી ત્યારે નગરપાલિકાના હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પાણી પુરવઠાની લાઈનમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તે ભ્રષ્ટાચાર સામે કોઈ ઠરાવ કરી કે સરકારમાં રજૂઆત કરી તપાસની માગણી કરશે કે કેમ તે જોવાનું રહ્યું પરંતુ વિસાવદરના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે જુદી જુદી જગ્યાએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે મંજૂરી માગતી અરજીઓ કરી મંજૂરી માગેલ છે પરંતુ સરકાર તરફથી આ સંબંધે કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી અને કોઈ પગલાં ભરવામાં આવેલ નથી ત્યારે મંજૂરી ન આપનાર અને ગુનેગારોને છાવરનાર તમામ લોકો સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમથ રીટપીટીશન કરવાની પણ તજવીજ વિસાવદરના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં વિસાવદર શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે કંઈકના તપેલા ચડી જશે.
નવી ચૂંટાયેલી ભાજપની બોડી વિસાવદર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર રોકી શકશે
- Advertisement -
વિસાવદર નગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલ હોય તેવું છેલ્લા ઘણા સમયથી અખબારોમાં વાંચવામાં આવે છે ત્યારે વિસાવદર શહેર તથા તાલુકામાં બની બેઠેલા નેતાઓ માત્ર અખબારોમાં પ્રેસનોટ આપવામાં પાવરધા હોય તેવું લાગી રહ્યું છે એક તરફ વહીવટદાર તરીકે મામલતદાર હતા અને ચીફ ઓફિસર પણ ભૂતકાળમાં નાયબ મામલતદાર હોય ત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ વાળા ખોટું કરવામાં કેવા હોશિયાર હોય તે લોકો જાણે છે સતાધારીના ઈશારે કરોડોનો ભ્રષ્ટાચાર થાય તેમાં જિલ્લાના ભાજપના આગેવાનનો હાથ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
વિસાવદર ધારાસભ્ય વગરનો તાલુકો છે અહીં કોઈ વિરોધ પક્ષ પણ નથી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના આગેવાનો કશું બોલવા તૈયાર નથી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી આ તત્કાલિન વહીવટદાર તથા ચીફ ઓફિસર પુરવઠા ખાતાના હપ્તાઓ ખાઈને ધરાયા નથી ત્યારે પંચનો માલ ખાઈ રહિયા છે. વિસાવદર નગરપાલિકાની ચૂંટણીઓ પુરી થઈ વિસાવદરની પ્રજાએ ભાજપ ઉપર વિશ્ર્વાસ મૂકી 21 સીટો ઉપર પ્રચંડ બહુમતી આપેલ છે ત્યારે વહીવટદારના શાસનમાં થયેલ ભયંકર ભ્રષ્ટાચાર બાબતે નવા વરાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ કેમ મૌન છે.સાંસદ કેમ મૌન છે.આ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ભાજપને આભડી જશે જો આમ કરતા ભાજપને બચાવવું હોય તો ભાજપે પોલીસ ફરિયાદ દાખલ કરાવવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાવવું જોઈએ પણ ખેર આવી અપેક્ષા ખુદ શિકારી પાસે કરવી કેટલે અંશે વ્યાજબી.