ખાસ-ખબર સંવાદદાતા
રાજસ્થાનના રણથંભોર ખાતે શ્રી રાજપૂત કરણીસેનાની રાષ્ટ્રીય સ્તરની ભારતભરના તમામ રાજ્યોના હોદ્દેદારોની ચિંતન શિબિર યોજાઈ જેમાં સંસ્થાના સંસ્થાપક લોકેન્દ્રસિંહજી કાલવી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાના દ્વારા ગુજરાતના સંગઠનને વધુ મજબૂત કરવા શ્રી રાજપૂત કરણીસેના ગુજરાત કાર્યકારી અધ્યક્ષ તરીકે વિરભદ્રસિંહ સાવજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી. વિરભદ્રસિંહ મૂળ કચ્છના વીંઝાણ ગામના વતની અને હાલ ભુજ ખાતે સ્થાયી છે. વિરભદ્રસિંહ છેલ્લાં 20 વર્ષથી સમાજની વિવિધ સંસ્થા સાથે જોડાઈ સમાજના અનેક ઉપયોગી કાર્યોમાં કાર્યરત છે તેમજ કરણીસેનામાં છેલ્લાં 4 વર્ષથી વિવિધ હોદ્દામાં રહી ખૂબ સરાહનીય કામગીરી કરી હતી. તેઓ દ્વારા કોરોના સમયમાં ગરીબ લોકો માટે મફત રાશનની કિટ પણ વિતરણ કરવામાં આવી હતી. શ્રી રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત 8માં સમૂહલગ્નના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. 78 જોડલાઓએ તેમની આગેવાની હેઠળ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. રાજપૂત ક્ષત્રિય સમાજના દીકરાઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કરણી સેના કચ્છ દ્વારા ભુજ શક્તિધામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ હાલમાં શ્રી રાજપૂત ક્ષત્રિય સભા કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. તેમની આ કામગીરીથી પ્રભાવિત થઈ રાષ્ટ્રીય સ્તરે તેમની નોંધ લેવાઈ હતી.
વિરભદ્રસિંહની કાર્યકારી અધ્યક્ષપદે નિમણુંક થતાં સમગ્ર ગુજરાતના રાજપૂતોમાં અનેરો ઉત્સાહ છે. રાજપૂત સમાજ સાથે તમામ સમાજના લોકો વિરભદ્રસિંહને શુભેચ્છા પાઠવી રહ્યા છે.