કેબિન પર ગભરાટ ફેલાયો હતો કારણ કે એર ચાઇના ફ્લાઇટ CA139ને હાંગઝોઉથી સિઓલ જતી ઇમરજન્સીને કારણે શાંઘાઈમાં ઉતરવું પડ્યું હતું. મુસાફરી દરમિયાન, ઓવરહેડ કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવેલી લિથિયમ બેટરીમાં આગ લાગી હતી, જેના કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ભય ફેલાયો હતો. સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
શું હતી ઘટના?
- Advertisement -
મળતી માહિતી મુજબ મુજબ, ફ્લાઇટે સવારે 9:47વાગ્યે (સ્થાનિક સમય) હાંગઝોઉ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને ઇંચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરે 12:20 વાગ્યે પહોંચવાનું હતું. જોકે, ઉડાનના લગભગ 40 મિનિટ પછી, ઓવરહેડ કેબિન (સીટ ઉપર સામાન રાખવાની જગ્યા)માં એક મુસાફરના કેરી-ઑન બેગમાંની લિથિયમ બેટરીમાં વિસ્ફોટ થયો અને તાત્કાલિક આગ ફાટી નીકળી હતી.
160 લોકોનો આબાદ બચાવ
એર ચાઇનાએ ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘વેઇબો’ પર એક નિવેદનમાં કહ્યું: “18 ઓક્ટોબરે હાંગઝોઉથી ઇંચિયોન જતી ફ્લાઇટ CA139 પર એક મુસાફરના કેરી-ઑન બેગમાં લિથિયમ બેટરીમાં આગ લાગી હતી. ક્રૂ મેમ્બર્સે તુરંત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટને શંઘાઈ પુડૉંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી.”
- Advertisement -
અહેવાલ અનુસાર, વિમાને સમુદ્ર ઉપર એક ચક્કર લગાવ્યા બાદ સવારે 11 વાગ્યાની આસપાસ શંઘાઈમાં લેન્ડ કર્યું હતું. આ વિમાનમાં 160 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા અને તમામ લોકો સુરક્ષિત છે. વાઈરલ વીડિયોમાં મુસાફરો અને કેબિન ક્રૂ ઉપલા કમ્પાર્ટમેન્ટમાંથી નીકળતી આગની જ્વાળાઓને ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, જેમાં કોરિયન ભાષામાં ‘જલ્દી કરો’ની બૂમો સંભળાઈ રહી છે.
લિથિયમ બેટરીની સુરક્ષા
આ ઘટનાએ ફરી એકવાર ફ્લાઇટ દરમિયાન લિથિયમ બેટરીઓ (જેમ કે પાવર બેંક) સાથે સંકળાયેલી સુરક્ષા ચિંતાઓને ઉજાગર કરી છે. તાજેતરના વર્ષોમાં આવી અનેક ઘટનાઓ બની છે. મે 2025માં, ચાઇના સધર્ન એરલાઇન્સની ફ્લાઇટમાં કેમેરાની બેટરી અને પાવર બેંકમાંથી ધુમાડો નીકળતા ટેકઓફના 15 મિનિટ પછી પરત ફરવું પડ્યું હતું. જાન્યુઆરી 2025માં એર બુસાનની ફ્લાઇટમાં સ્પેર પાવર બેંકમાં વિસ્ફોટ થતાં આગ લાગી હતી, જેમાં 7 લોકોને નાની ઈજાઓ થઈ હતી.