રાષ્ટ્રપતિને સત્તાથી બેદખલ કરવા લોકોની ભીડે કરી ઘેરાબંદી, 5 ઘાયલ
ખાસ-ખબર ન્યૂઝ બાંગ્લાદેશ, તા.23
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક વિરોધ શરૂ થયો છે. હવે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવા માટે વિરોધ થઈ રહ્યો છે. મંગળવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે ઢાકામાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન બંગભવનની સામે વિરોધ પ્રદર્શન થયું હતું.
- Advertisement -
પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ્સને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. મામલો શાંત કરવા સેનાના જવાનોએ પ્રદર્શનકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા અંતે તેમને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં 5 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિરોધ માટે એકઠા થયેલા ટોળાને હિંસક બનતા જોઈને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને એક નિવેદન આપ્યું હતું કે, ’મારી પાસે એવો કોઈ દસ્તાવેજ નથી જે સાબિત કરી શકે કે શેખ હસીનાએ 5 ઓગસ્ટે બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.’ રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું બંધારણીય રીતે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના પીએમ છે. લોકો આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે.