મોરબીમાં નડ્ડા સામે વટ પાડવા હવાતિયાં : ભાજપના ઝંડા લગાવવા પાલિકાની ગાડીઓ દોડાવાઈ
રાષ્ટ્રીય અધ્યક્ષને વહાલા થવા ભાજપે દિવસ રાત એક કરી નાખ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના ભાજપ આગેવાનો આજે મંગળવારે સાંજે 4 વાગ્યે રોડ શો કરવાના છે ત્યારે ભાજપ શાસિત મોરબી નગરપાલિકાના હોદેદારોએ શહેરને સૌરાષ્ટ્રનું પેરીસ હોય તેવું દેખાડવા અને નડ્ડા સામે વટ પાડવા દિવસ રાત એક કરી નાખ્યા હતા.
મોરબીના મુખ્ય માર્ગ પર રસ્તા રાતોરાત રિપેર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી હતી તો નગરપાલિકાના વાહનો પણ જાણે ભાજપના વાહન હોય એમ ભાજપના ઝંડા લગાવવા દોડાવવામાં આવી રહ્યા હતા. મોરબી શહેરમાં સ્ટ્રીટલાઈટ સમયસર રીપેર થતી નથી તો બીજી તરફ ભાજપના ઝંડા લગાવવા પાલિકાના વાહનોનો દુર-ઉપયોગ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોરબી શહેરના શનાળા રોડ ઉપર પાલિકાના લાઈટ રીપેરીંગ માટેના વાહનોનો ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારે વાહનચાલકો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે પણ સ્વીકાર્યું કે ઉપલા અધિકારીઓ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપર નગરપાલિકાના વાહન સાથે રાખી શહેરના તમામ મુખ્ય માર્ગ પર ઝંડા લગાવવાના છે !