ટોળા દ્વારા લૂંટાયેલા શસ્ત્રોમાંથી 1195 પાછા મેળવાયા
ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરમાં ત્રણ મહિનાથી ચાલતી હિંસા યથાવત્ રહી છે. તાજા હિંસામાં તોફાની તત્વોએ શનિવારે મૈતેઈ સમાજના ત્રણની હત્યાના બીજા દિવસે ચુરાચાંદપુરા જિલ્લામાં કુકી આદિવાસીના બે લોકોની હત્યા કરાઈ હતી, જેથી રાજ્યમાં વંશીય હિંસામાં કુલ મૃત્યુઆંક 160 થઈ ગયો છે. બીજીબાજુ પશ્ચિમ ઈમ્ફાલમાં લાંગોલ વિસ્તારમાં 15 ઘરોને આગ લગાવી દેવાઈ હતી. બીજીબાજુ પોલીસે શરૂ કરેલા અભિયાન હેઠળ શસ્ત્રાગારમાંથી લૂંટાયેલા 4,000થી વધુ શસ્ત્રોમાંથી 1195 શસ્ત્રો પાછા મેળવી લેવાયા છે.
- Advertisement -
મણિપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણની હત્યા પછી ફરી એક વખત તણાવપૂર્ણ સ્થિતિ થઈ ગઈ છે. પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લાના લાંગોલમાં લગભગ 15 મકાનોને આગ લગાવી દેવાઈ હતી. રાજ્યમાં નવેસરથી હિંસા ફેલાતા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અર્ધસૈનિક બળોની વધારાની 10 કંપનીઓ તૈનાત કરાઈ છે, જેમાં સીઆરપીએફની પાંચ કંપનીઓ, સીમા સુરક્ષા બળની 3 અને ભારત-તિબેટ સરહદ પોલીસ તથા સશસ્ત્ર સરહદ બળની 1-1 કંપનીનો સમાવેશ થાય છે. દરમિયાન મણિપુર પોલીસે માત્ર મૈતેઈ બહુમતીવાળા ઈમ્ફાલ ખીણ વિસ્તારમાં અનેક પોલીસ સ્ટેશનો અને શસ્ત્રાગારમાંથી શસ્ત્રો અને દારૂગોળો લૂંટાવાના સમાચારો નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, હકીકતમાં ખીણ અને પર્વતીય બંને વિસ્તારોમાં પોલીસ સ્ટેશન અને શસ્ત્રાગારમાંથી શસ્ત્રો લૂંટાયા હતા.
જોકે, સુરક્ષા દળો સતત વિવિધ જગ્યાઓ પર દરોડા પાડી રહ્યા છે અને શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, મણિપુરમાં 3જીના રોજ જાતીય હિંસા શરૂ થયા પછી લૂંટાયેલા 4,000થી વધુ હથિયારોમાંથી 1,057 શસ્ત્રો અને 14,201 દારૂગોળો ખીણ વિસ્તારોમાંથી તેમજ 138 હથિયાર અને 121 દારૂગોળો પર્વતીય વિસ્તારોમાંથી જપ્ત કરાયા છે.