યુનુસ સરકારે અવામી લીગના નેતાઓની ધરપકડ કરતા મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા
બાંગ્લાદેશમાં ભયંકર હિંસાનો દોર ફરી શરૂ થઇ ગયો છે. અવામી લીગ દ્વારા આજે દેશવ્યાપી દેખાવોની જાહેરાત કરવામાં આવી હતી જેના પહેલા જ ઢાકા સહિત બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા શરૂ થઇ ચૂકી છે. દેખાવકારોએ ઢાકાના ધાનમંડી વિસ્તારમાં સ્થિત બંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજીબુર્ર રહેમાનના ઘરે હુમલો કરી દીધો.
- Advertisement -
હુમલાખોરો બુલડોઝર લઈને આવ્ય હતા. તેમણે શેખ મુજીબુર્ર રહેમાનના ઘરને આગ ચાંપી દીધી હતી. હજારોની સંખ્યામાં અવામી લીગના સમર્થક, કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. આજે બાંગ્લાદેશમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ કરી હાઈવે સહિત અનેક શહેરોમાં ચક્કાજામ કરવાની તૈયારી કરી લેવામાં આવી હતી. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દ્વારા અવામી લીગના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ થઇ રહેલી હિંસાના વિરોધમાં અવામી લીગે મોટા દેખાવોનું આહ્વાન કર્યું હતું. અવામી લીગના દેખાવોથી ઠીક એક સાંજ પહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી હતી.
આ દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે બરતરફ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અવામી લીગ પાર્ટીના સમર્થકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે, મારી વિરુદ્ધ બાંગ્લાદેશમાં શરૂ કરાયેલું આંદોલન મારી હત્યા કરવા માટેનું કાવતરું છે. મોહમ્મદ યુનુસ મને અને મારી બહેનને મારી નાખવા માગે છે. જો ખુદાએ મને આ હુમલા બાદ પણ જીવતી રાખી છે એટલે એવું લાગે છે કે જરૂર કંઇક મોટું કામ કરવાનું બાકી હશે. જો એવું ન હોત તો હું આટલી વખત મોતને કેવી રીતે મ્હાત આપી શકી હોત?
ઘર સળગાવી શકાય છે, ઈતિહાસ મિટાવી નથી શકાતો: શેખ હસીના
નવી દિલ્હી: પિતા શેખ મુજીબુર્રરહેમાનના આવાસ પર હુમલા દરમિયાન શેખ મુજીબુર્રરહેમાનની પુત્રી અને બાંગ્લાદેશના પુર્વ વડાપ્રધાન શેખ હસીના કે જે હાલ ભારતમાં શરણે છે તેમણે ફેસબુક પર લાઈવ સંબોધનમાં જણાવ્યું હતું કે મારી હત્યા માટે બાંગ્લાદેશમાં આંદોલન શરૂ થયું હતું.
- Advertisement -
પિતાના ઘર હુમલો કરી દેખાવકારો દ્વારા સળગાવવાના સંદર્ભમાં હસીનાએ કહ્યું હતું કે જે ઘરમાં તોડફોડ કરાઈ તેની સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. ઘર સળગાવી શકાય છે, ઈતિહાસ નથી મિટાવી શકાતો.