રાજકોટની કોર્ટે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મિત્રતાના દાવે હાથ-ઉછીના લીધેલા રૂ. 20 લાખના ચેક રિટર્ન કેસમાં નામદાર કોર્ટે આરોપી વિનોદભાઈ ભીમજીભાઈ પરસાણાને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના હેઠળ તકસીરવાન ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
ફરિયાદી વરુણભાઈ પ્રવિણચંદ્ર અધારાએ તેમના મિત્ર વિનોદભાઈ પરસાણાને અંગત જરૂરિયાત માટે જુદી જુદી તારીખે બે હપ્તામાં કુલ રૂ. 20,00,000/- (રૂપિયા વીસ લાખ પૂરા) હાથ-ઉછીના આપ્યા હતા. આ રકમ અંગે વિનોદભાઈ પરસાણાએ વરુણભાઈના નામ જોગ બે પ્રોમિસરી નોટ લખી આપી હતી.ત્યારબાદ, વરુણભાઈને નાણાંની જરૂર પડતાં તેમણે ઉઘરાણી કરતા, આરોપી વિનોદભાઈએ યુનિયન બેન્કનો રૂ. 20 લાખનો ચેક (નં. 093327) તા. 11/01/2023 ના રોજ લખી આપ્યો હતો, અને તા. 30/01/2023 ના રોજ જમા કરાવ્યેથી રકમ મળી જશે તેવી ખાતરી આપી હતી.
ફરિયાદી વરુણભાઈએ જ્યારે તા. 30/01/2023 ના રોજ ચેક બેન્કમાં જમા કરાવ્યો, ત્યારે તે “ફંડ્સ ઈન્સફિશિયન્ટ”ના શેરા સાથે પરત ફર્યો હતો.
- Advertisement -
આરોપીની બીજી ખાતરી બાદ ફરિયાદીએ તા. 03/03/2023 ના રોજ ચેક ફરી જમા કરાવતા, તે ફરીથી “ફંડ્સ ઈન્સફિશિયન્ટ”ના શેરા સાથે પરત ફર્યો હતો.
આરોપીએ લેણી રકમ ન ચૂકવતા, ફરિયાદીએ તા. 14/03/2023 ના રોજ વકીલ મારફત લીગલ નોટિસ આપી હતી. તેમ છતાં રકમ ન ચૂકવાતા આખરે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે ફરિયાદની દલીલોને માન્ય રાખીને આરોપી વિનોદભાઈ ભીમજીભાઈ પરસાણાને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને સાથે સાથે એક માસની અંદર ચેક મુજબની રૂ. 20 લાખની રકમ ફરિયાદીને ચૂકવી દેવાનો હુકમ કર્યો છે. જો આરોપી નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેને વધુ 6 માસની સજા ભોગવવી પડશે.
આ કેસમાં ફરિયાદી વરુણભાઈ અધારા તરફે રાજકોટના ધારાશાસ્ત્રીઓ પાર્થ ડી. પીઠડીયા, વિરેન આઈ. વ્યાસ, ધરતી એન. જમરીયા, અર્જુનસિંહ એમ. જાડેજા તેમજ આસિસ્ટન્ટ્સ ગૌરવ બોદુડે, સત્યદીપસિંહ જાડેજા, આદેશ કન્નર, અને યશદીપસિંહ જાડેજા રોકાયા હતા.



