મહિલાઓ સહિતના સ્થાનિકોએ રેલી યોજી ‘સરપંચ હાય હાય’ના નારા લગાવ્યા: આઉટપોસ્ટમાં જમાદારની ગેરહાજરી સામે રોષ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાંબા સમયથી ચાલી રહેલા દારૂના ખુલ્લેઆમ વેચાણ અને દારૂબંધીના ભંગ સામે સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગામની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજીને ગ્રામ પંચાયત સુધી પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
- Advertisement -
રેલી દરમિયાન ગ્રામજનોએ ’સરપંચ હાય હાય’ અને ’મંત્રી હાય હાય’ જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, છતાં આઉટપોસ્ટ પોલીસ ચોકીમાં બીટ જમાદારની નિયમિત હાજરી હોતી નથી, જેના કારણે દારૂના વેચાણ પર કોઈ નિયંત્રણ રહેતું નથી.
ઉલ્લેખનીય છે કે, તીથવા ગામના લોકોએ ગત 7 નવેમ્બરના રોજ પણ અધિકારીઓ અને પદાધિકારીઓને આ અંગે આવેદનપત્ર આપીને કડક દારૂબંધીનો અમલ કરવાની માંગ કરી હતી. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ગ્રામજનોને ફરી આ રેલીનું આયોજન કરવાની ફરજ પડી હતી.
ગ્રામજનોએ જાહેરમાં ગ્રામસભાનું આયોજન કરી દારૂબંધી કરાવવા અને પોલીસ ચોકી નિયમિત ખોલવા સહિતની માંગણીઓ કરી હતી. હવે મોરબી જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મામલે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.



