ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તાત્કાલિક નિરાકરણનો આદેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા છતડીયા ગામમાં અનેક પડતર પ્રશ્નોને લઈને ગ્રામજનો પરેશાન છે. આ પ્રશ્નો અંગે ગામના સરપંચ સહિતના આગેવાનોએ સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમક્ષ રજૂઆત કરી હતી, જેના પગલે ધારાસભ્યે નેશનલ હાઈવેના અધિકારીઓને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ સમસ્યાઓ હલ કરવા સૂચના આપી છે.
- Advertisement -
ગામના સરપંચ મુકેશભાઈ સરવૈયા, વીરભદ્રભાઈ ડાભીયા, રામકુભાઈ ડાભીયા અને અન્ય આગેવાનો દ્વારા ધારાસભ્ય સમક્ષ નીચે મુજબના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
છતડીયા ગામમાં બસ સ્ટેન્ડ નજીકની હાઈવેની મેઈન લાઇટ, સર્વિસ રોડ પરની સ્ટ્રીટ લાઇટ અને હાયમાર્ચ ટાવરની લાઇટ્સ ઘણા સમયથી બંધ હાલતમાં છે. તેનું વાયરિંગ પણ બહાર નીકળીને અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જે અત્યંત જોખમી છે. રાત્રિના સમયે લાઇટ્સ બંધ હોવાથી અકસ્માત થવાનો ભય રહે છે. હાઈવેની બંને તરફની જમીનોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે. આ પાણીના યોગ્ય નિકાલ માટે હિટાચી દ્વારા ગટર ઊંડી કરાવી પાણીનો નિકાલ કરવો જરૂરી છે. ઓવરબ્રિજની બંને બાજુએ આવેલા સર્વિસ રોડનો ઉપયોગ રાજુલા શહેરમાં આવવા-જવા માટે થતો હોય છે, જ્યાં વાહનોની ખુબજ ભીડ રહે છે. આના કારણે અકસ્માત થવાની સંભાવના રહેતી હોવાથી બંને તરફ બે-બે સ્પીડ બ્રેકર મૂકવા અત્યંત જરૂરી છે. ગ્રામજનોની રજૂઆતો સાંભળ્યા બાદ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તાત્કાલિક નેશનલ હાઈવેના અધિકારીને છતડીયા ગામ ખાતે રૂબરૂ મુલાકાત કરી, ગામના તમામ પડતર પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
આ રજૂઆત વખતે મામલતદાર પુરોહિત સહિત તેમની ટીમ, છતડીયા ગામના સરપંચ મુકેશભાઈ સરવૈયા, વીરભદ્રભાઈ ડાભીયા, રામકુભાઈ ડાભીયા તેમજ ગામના અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોને આશા છે કે ધારાસભ્યની દખલગીરીથી તેમની લાંબા સમયથી પડતર સમસ્યાઓનો ઝડપથી નિકાલ આવશે.