ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી સક્રિય થવા લાગી છે તો આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી મારી દેતા આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાખીયો જંગ ખેલાઈ તેવી સંભાવના વધી છે ત્યારે મોરબી જીલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ ઉમેદવારની જાહેરાત કરી કોળી સમાજના યુવા આગેવાન વિક્રમ સોરાણીને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની કુલ 9 બેઠકો માટે પોતાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જેમાં વાંકાનેર – કુવાડવા બેઠક પર કોળી સમાજના યુવા આગેવાન વિક્રમભાઈ સોરાણીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મોરબી આમ આદમી પાર્ટીએ આપેલી વિગત મુજબ વિક્રમભાઈ સામાન્ય પરીવારમાંથી આવે છે અને નાની ઉંમરથી સામાજીક સેવા કરતાં આવ્યા છે. ગયા વર્ષે તેમના દ્વારા 555 સર્વ જ્ઞાતિ દીકરીના સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને વિક્રમભાઈ સોરાણી માત્ર 26 વર્ષની ઉંમરે ગુજરાત રાજ્યના કોળી સમાજના પ્રમુખ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર બેઠક પર મુસ્લિમ અને કોળી મતદારોનું પ્રભુત્વ છે જોકે આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદા જીતતા આવ્યા છે. આ વખતે વાંકાનેર ભાજપમાં જીતુ સોમાણી અને મોહન કુંડારિયાના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર બેઠક પર યુવા કોળી આગેવાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે તેની કેવી અસર જોવા મળશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.