CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં સ્તુત્ય નિર્ણય
ધારાસભ્યોના પગારમાં કાપ મૂકવાના નિર્ણયથી સરકારને વર્ષે 6.30 કરોડ રૂપિયાની બચત થશે: એક વર્ષ સુધી કપાત પગારને કારણે બચેલી આ રકમ કોરોના સામે લડવા ખર્ચાશે
રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક સ્તુત્ય પગલું લીધું છે. કોરોના મહામારી અને લોકડાઉનના લીધે સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો અને વિવિધ મોરચે ખર્ચ કાપની નીતિનો અમલ કરાઇ રહ્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે પ્રધાનો, ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. આ પગારકાપનો આદેશ એક વર્ષ સુધી અમલમાં રહેશે. એટલે કે તેમને એક વર્ષ સુધી 30 ટકા ઓછો પગાર મળશે. આ નિર્ણયને કારણે ગુજરાત સરકારને વર્ષે થશે રૂ.6.30 કરોડની બચત થશે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભાજપના દંડકના પગારમાં 10% અને વિપક્ષ દંડકના પગારમાં 10%નો કાપ મૂકાયો છે. ધારાસભ્યોના પગારમાં કાપ મૂકવાના નિર્ણયથી સરકારને વર્ષે 6.30 કરોડ રૂપિયાની બચત થશે. એક વર્ષ સુધી કપાત પગારને કારણે બચેલી આ રકમ કોરોના સામે લડવા ખર્ચાશે. મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. વિજયભાઈ રૂપાણીએ રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.