સ્થાનિક માલધારી યુવાને રજૂઆત કરી તો હથિયારો લઈને ભૂમાફિયા ટૂટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓની દાદાગીરી હવે વધતી નજરે પડે છે ત્યારે હાલમાં જ સાયલા તાલુકાનાં સુદામડા ગામે ગેરકાયદેસર ખનન કરનાર સામે રજૂઆત કર્તાના ઘર પર કેટલાક ખનિજ માફીયાઓ દ્વારા ફાયરિંગ કાર્યની ઘટના સામે આવી હતી જ્યારે આ ઘટનાની શાહી હજુતો સુકાઇ નથી ત્યાં ફરી એક જાગૃત યુવાને ગૌચર જમીનમાં ખનન બાબતે રજૂઆત કરતા જ ખનિજ માફીયાઓ ઘાતક હથિયાર વડે યુવાનને ડરાવવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો મૂળી તાલુકામાં ખાટડી ગામે સ્થાનિક ગામના જ ખનિજ માફીયાઓ દ્વારા ગૌચર જમીનને ગેરકાદેસર ખોદાણ કરી ખનિજ હેરફેર કરતું હતું જે બાબતે ગામના માલધારી યુવાને ઉચ્ચસ્તરે રજૂઆત કરી ગેરકાયદેસર ખનન બાબતે મીડિયાને પણ રજૂઆત કરી હતી. આ બાબતનું મનદુ:ખ રાખી ખાટડી ગામના ખનિજ માફીયાઓ ઘાતક હથિયારો લઈને આવ્યા હતા અને રજૂઆત કરનાર માલધારી યુવાનને ધમકી આપી ડરાવવા લાગ્યા હતા.
- Advertisement -
જોકે આ ખનિજ માફીયાઓ દ્વારા હથિયારો લઈને દાદાગીરી કરતા હોવાનો વિડિયો કેમેરામાં કેદ થયો હતો અને બાદમાં વિડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામ્યો હતો જ્યારે વિડિયો વાઇરલ થતાં જ જીલ્લા પોલીસ વડા દ્વારા પણ ગંભીર નોંધ લઈ યુવરાજસિંહ હરિચંદ્રસિંહ ઝાલા, રવીરાજસિંહ રામદેવસિહ ઝાલા, ક્રિપાલસિંહ ઉર્ફે મુન્ના અખુભા ઝાલા તથા હિતેન્દ્રસિંહ મનહરસિહ ઝાલા વિરૂદ્ધ ગૌચર જમીન પર સોલાર પ્લાન્ટ કંપનીના વાહનો ચાલતા હોવાથી માલધારી યુવાન દ્વારા વાહન ચલાવવાની મનાઈ કરતા તલવાર, પાઇપ સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરવા અંગેની ફરિયાદ નોંધી હતી.