ગુજરાતની 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ છે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જીતની ખુશીમાં ભાવુક દૃશ્ર્યો પણ સર્જાયા છે. જીતનું ખુશીમાં સમર્થકો અબીલ-ગુલાલ અને નોટો ઉડાવી રહી છે.
રાજ્યમાં કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ત્યારબાદની 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી.
બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ 3524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3171 ગ્રામ પંચાયતો બાદ કરતાં 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી હોવાથી કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી 2 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મોફૂક કરવામાં આવી છે.
- Advertisement -
કુલ 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી હાથ ધરાશે, જેમાં 2771 ટેબલનો ઉપયોગ થશે. મતગણતરી પ્રક્રિયા માટે 13,444 કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14,231 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 3,431 વર્ગ-4 ના કર્મચારીઓ પણ ફરજ પર છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ર્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા ઈઈઝટ કેમેરાની દેખરેખ હેઠળ થશે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે સરપંચ બનવાના યુદ્ધમાં પરિણામ આવી ગયું છે. જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવી દીધા છે. જયાબેન નરશીભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે.
વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટાભાઈએ નાના ભાઈને હરાવ્યો
રાજકોટ તાલુકાના વેજા ગામની ગ્રામ પંચાયતમાં ગામનો પૂરતો વિકાસ થતો ન હોવાથી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થતા સામુહિક રીતે ગામના લોકો દ્વારા સરપંચ સહીત આખી બોડીનું રાજીનામુ 6 મહિના પહેલા લેવામાં આવ્યું હતું. જેથી આ ગામમાં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ગામલોકો દ્વારા યોગેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેની સામે તેના જ પિતરાઈ ભાઈ લક્કીરાજસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું હતું અને 1100 લોકોની વસ્તી વાળા ગામમાં ચૂંટણી થતા કુલ 900 મતદારો પૈકી 725 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 632 મત સાથે યોગેન્દ્રસિંહ જાડેજાની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે ગામમાં છેલ્લા 25 વર્ષ સુધી યોગેન્દ્રસિંહના મોટા બાપુ જયદેવસિંહ જાડેજા સરપંચ હતા. નવા ચૂંટાયેલા સરપંચ યોગેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં મુખ્ય ગ્રામ સભા હોય જે ક્યારેય મળી નથી માત્ર કાગળ પર ગ્રામસભા દેખાડવામાં આવતી હતી અનેક વિકાસના કામો અટકેલા છે, રૂડાની ગ્રાન્ટ પૂરતી ઉપયોગી નથી થઇ માટે હવે રૂડા સાથે સંકલન કરી ગામલોકોને સાથે રાખી વિકાસ કરવામાં આવશે.
રીબડા ગ્રામ પંચાયત વોર્ડ-8માં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહનો વિજય
ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય થયો 155 માંથી 111 મતેથી વિજય થયો. આઝાદી બાદ સૌપ્રથમવાર રીબડા ગામમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના સુપુત્ર સત્યજીતસિંહ જાડેજા અને સામે પક્ષે રક્ષિત ખૂટ વચ્ચે ટક્કર જોવા મળી હતી.
મહેસાણાના જૂની સેઢાવીમાં 23 વર્ષનો યુવક બન્યો સરપંચ
મહેસાણા તાલુકાના જૂની સેઢાવી ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગામના 23 વર્ષીય યુવક આશિષભાઈ રબારી નાની ઉંમરે સરપંચ બન્યા છે. આ યુવા સરપંચે પદભાર સંભાળતા પહેલા પોતાના પિતાના આશીર્વાદ લીધા હતા, જેથી કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
હળવદમાં મતગણતરી સેન્ટરમાં પ્રવેશ મુદ્દે માથાકૂટ
મોરબી જિલ્લાના હળવદમાં મંગળપુર ગામની સામાન્ય ચૂંટણીની મતગણતરી દરમિયાન માથાકૂટ થઈ હતી. આ ઘટના મતગણતરી સેન્ટરમાં પ્રવેશ મુદ્દે બની હતી. હાલમાં હળવદની મોડેલ સ્કૂલમાં 8 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.
રાજકોટ જિલ્લાના હિન્દૂ ગામમાં મુસ્લિમ મહિલા 550 મતે જીતી સરપંચ બન્યા
રાજકોટ જિલ્લાની સૌથી મોટી સણોસરા ગ્રામ પંચાયતમાં મુસ્લિમ મહિલા ડો.નફીસા સેરસીયા 550 મતે વિજેતા બની સરપંચ બન્યા છે.
રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપ પ્રમુખ અને સણોસરા ગામના મહિલા સરપંચના પતિ યુનુષભાઇ શેરસિયાએ જણાવ્યું હતું કે, મારા પત્ની ડોક્ટર છે તેમને ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અમારા ગામના કુલ 2100 મત છે અમારી 550 મતે જીત થવા પામી છે. અમને હિન્દૂ સમાજના લોકોએ મત આપ્યા છે તેમના થકી મારા પત્ની વિજેતા બન્યા છે હું બધાનો ખુબ આભાર વ્યક્ત કરું છું. રાજકોટ તાલુકા ભાજપની ટીમે અમને સહયોગ આપ્યો છે એટલે જ આજે અમારી જીત થઇ છે. બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ગામનો વિકાસ બધાને સાથે રાખી આગળ વધારીશું.
અમરેલીના વડિયા તાલુકાના ઈશ્ર્વરિયા ગામે 80 વર્ષના બા બન્યા સરપંચ
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઈશ્ર્વરીયા ગામે એક અનોખી ઘટનામાં 80 વર્ષીય વૃદ્ધ મહિલા મોતીબેન ડાયાભાઈ સૌંદરવા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ઉંમરે પણ તેઓ ગામના વિકાસ કાર્યો કરવાની ઉત્સુકતા અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે, જે ખરેખર પ્રેરણાદાયક છે.
3 જગ્યાએ સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ
ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામમાં 3 જગ્યાએ સરપંચ ઉમેદવારોમાં ટાઈ પડી છે, જે બાદ ઉમેવારોના નામોની ચિઠ્ઠી ઊછળીને વિજેતા સરપંચ નક્કી કરવામાં આવ્યાં હતા.
1. ગાંધીનગર: નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ટાઈ, ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરાયા
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં સરપંચના બંને ઉમેદવારોને સરખા, એટલે કે 338-338 મત મળ્યા હતા, જેના કારણે ટાઈ પડી હતી. વિજેતા નક્કી કરવા માટે છેવટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. આ ચિઠ્ઠી ઉછાળતા હાર્દિક બારોટ વિજેતા બન્યા અને નાદરી ગ્રામ પંચાયતના નવા સરપંચ તરીકે ચૂંટાયા, જ્યારે પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો.
2. સુરત : ઓલપાડ ડભારી ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણીમાં ફરી ટાઈ પડી હતી. ઓલપાડ ડભારી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ફરી એકવાર ટાઈ પડી છે. ધર્મિષ્ઠા પટેલ અને નિમીષા પટેલ નામના બંને ઉમેદવારો વચ્ચે ટાઈ થતાં, હાલ બંને ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. બાદમાં ચિઠ્ઠી ઉછાળીને ધર્મિષ્ઠા પટેલને વિજેતા નક્કી કરવામાં.
3.અરવલ્લી: મેઘરજના પટેલઢુંઢા વોર્ડ નંબર 6માં રસાકસીભરી ટાઈનો આખરે ઉકેલ આવી ગયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પટેલઢુંઢા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-6માં મતગણતરી દરમિયાન સર્જાયેલી રસાકસીભરી ટાઈનો આખરે ઉકેલ આવી ગયો છે. વોર્ડ નંબર-6 માં બંને ઉમેદવારોને સરખા 58-58 મત મળતા ટાઈ પડી હતી, જેના કારણે વિજેતા નક્કી કરવું મુશ્કેલ બન્યું હતું.