ગુજરાતી ફિલ્મ ‘હાહાકાર’ થોડી ખાટી, થોડી મીઠી..
આજથી સિનેમાઘરોમાં આવી ચુકેલી પ્રતિકસિંહ ચાવડા દિગ્દર્શિત મયુર ચૌહાણ, અને નવોદિત કલાકાર મયંક ગઢવી અભિનિત ફિલ્મ ’હાહાકાર’ એક રોડ-ક્રાઈમ ડ્રામા કોમેડી છે. ગોવિંદાની ફિલ્મો આવતી એ પ્રકારની આ ફિલ્મ વિવિધ મસાલાઓથી દર્શકોને હસાવવામાં ચોક્કસ સફળ રહે છે. મધ્યાંતર બાદ એ થોડી કાચી પડે છે અને ક્યાંક ક્યાંક એડિટિંગની ઉણપ અને સ્ક્રિનપ્લેની ભૂલો લાગે. એવું થાય કે એમાં મહેનત થઈ હોત તો આ દ્રશ્યોને વધુ સારી રીતે મજબુત બનાવી શકાયા હોત.મયુર ચૌહાણ હંમેશા ની જેમ મજબુત સાબિત થાય છે. મયંક ગઢવીની આ પહેલી ફિલ્મ હોવા છતાં ક્યાંય ઉણો નથી ઉતરતો. ત્રીજા કલાકાર મયુર – મયંક ની સાથે દોડવાનો પ્રયત્ન કરે છે તેવું ક્યારેક ક્યારેક લાગે. ભઈલુના ચહેરાનું ભોળપણ, મુર્ખતા અને બોડી લેંગ્વેજને મંયકે સાંગોપાંગ પકડી છે. એના કદ અને કોમેડીની ક્ષમતા જોતા ભવિષ્યમાં એને ધ્યાનમાં રાખીને રોલ લખાય તો નવાઈ નહીં. મજબુત અભિનેતા ચેતન દૈયાનો રોલ પ્રમાણમાં ટૂંકો છે, પણ એ જ્યાં જ્યારે આવે છે ત્યારે જમાવટ કરી જાય છે. એમની મસાલો ચોળવાની સ્ટાઈલ નોંધનિય. તુષારિકા રાજ્યગુરુ મારકણી લાગે છે. વૈશાખ રતનબેન પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપે છે. હેમિન ત્રિવેદીનો આખો ટ્રેક હિલેરિયસ છે. એ મજા કરાવે છે. ચાર્મીના ભાગે સુંદર દેખાવા સિવાય વધુ કંઈ આવ્યુ નથી. લગભગ કલાકારો વચ્ચેની કેમેસ્ટ્રી સારી છે. પડદા પર દેખાય છે. પાર્થ ભરત ઠક્કરે કમાલ સંગીત આપ્યુ છે. જીજ્ઞેશ કવિરાજના અવાજે મઢેલુ ’મધરો દારૂડો…’ આખી નવરાત્રિમાં અમદાવાદથી માંડીને મુંબઈ સુધી ધૂમ મચાવી ચુક્યુ છે. ટાઈટલ સોંગ એમણે જાણીતા બોલિવૂડ સિંગર વિશાલ દદલાણી પાસે ગવડાવ્યું છે. ’મંગળવારની રાત્રે…’ પણ સારુ ચાલી રહ્યું છે. સંગીતકારે આખુ આલ્બમ મજાનું આપ્યુ છે. ક્યાંય નબળું સોંગ નહીં. સ્ક્રિન પર પણ કોઈ ગીત કઠતુ નથી. તમામ ગીતો ફિલ્મની વાર્તાને સાથોસાથ જ આગળ ધપાવે છે. ફરી ને સવાલ એક જ થાય છે કે એક સાથે ત્રણ ત્રણ ગુજરાતી ફિલ્મો રીલીઝ થઈ છે ત્યારે પ્રેક્ષકો જરૂર અવઢવમાં મુકાયા છે. કે કઇ ફિલ્મ જોવી અને કઇ ન જોવી. ઓવરઓલ ટાઈમપાસ કોમેડી ફિલ્મ. કોઈ અપેક્ષા કે દિમાગ સાથે રાખ્યા વિના જોઈ નાંખશો તો મજા પડશે.
- Advertisement -
50 વર્ષમાં નથી અનુભવ્યું એવું મારી સાથે બન્યું : સિધ્ધાર્થ રાંદેરીયા
નાટક પુરૂં થવામાં માત્ર છ મીનીટ બાકી હતી અને સમયનું બહાનુ બતાવી હોલ સ્ટાફે પડદો પાડી દીધો. રંગમંચ અને ફિલ્મોના જાણીતા અભિનેતા સિધ્ધાર્થ રાંદેરીયાને તાજેતરમાં તેમના નાટકના મુંબઇ ખાતેના શો વખતે મુંબઈ ના તેજપાલ ઓડીટોરીયમના સ્ટાફ નો કડવો અનુભવ થયેલો.આ ડિસેમ્બરમાં રંગભૂમિની તેઓની યાત્રાના 50 વર્ષ પૂરાં થશે. સામાન્ય રીતે ગુજરાતી નાટકના નિર્માતાઓનો એક શિરસ્તો રહ્યો છે કે નાટકનો પ્રથમ પ્રયોગ મુંબઈનાં તેજપાલ ઓડીટોરીયમથી જ શરૂ થાય. દાયકાઓથી પ્રેક્ષકોનું મનગમતું આ ઓડીટોરીયમ છે. પણસમય જતાં નિર્માતાઓ માટે ભાડું અને પ્રેક્ષકો માટે પાર્કિંગની અગવડ નડતરરૂપ બનવા લાગ્યા. સિધ્ધાર્થભાઇએ ગત તારીખ 13 ઓકટોબરના દિવસે બ્લફ માસ્ટર ગુજ્જુભાઈના શોનું આયોજન કરેલું. અને આ નાટકનો આ 500મો પ્રયોગ ઉજવાઇ રહેલો. ઓડીટોરીયમ હાઉસફુલ હતું.નસીબજોગે ચાલુ નાટકમાં ટેકનીકલ ખામી ઉભી થતાં નાટકને પાંચ સાત મીનીટ અટકાવવું પડ્યું. ત્યારબાદ લોકો ભરપેટ નાટક માણી રહ્યા હતા. અને પછી…
સિધ્ધાર્થભાઇ ખુદ કહે છે..
“50 વર્ષમાં નથી અનુભવ્યું એવું મારી સાથે બન્યું. બીજા અંકનું ત્રીજું દૃશ્ય પત્યું.
છેલ્લા સીન માટે માત્ર 6 મીનીટ ની જરૂર હતી અને…
10:15 મિનિટે અચાનક ચાલુ નાટકે પડદો પાડી દેવામાં આવ્યો. અમે અને પ્રેક્ષકો સૌ સ્તબ્ધ!’
તેમના મેનેજરેની અશ્રુભીની આજીજી અને કાલાવાલા બધું જ કર્યું..પણ વ્યર્થ.
સમયની પાબંદીનું રંગભૂમિના ઈતિહાસમાં નોંધવું પડે એવું ઉદાહરણ. હતપ્રભ પ્રેક્ષકોની કચવાતા મને વિદાય. અરે 500માં પ્રયોગની ઉજવણી કરવા માટે લવાયેલી કેક પણ ડબ્બામાં જ પડી રહી.
સિધ્ધાર્થભાઇ ખુબ હતાશ ચહેરે કહે છે, ‘આ પ્રયોગ હવે તો ચિરકાળ યાદ રહશે.’
બીજી તરફ જોઈએ તો ઓડીટોરીયમ ની કોઇ ટેકનિકલ ખામી ઉભી થઇ હોત તો આ નફ્ફટ સ્ટાફ શું કરત? મુંબઈ સહીત ગુજરાતના લગભગ બધા ઓડીટોરીયમ ની આવી અનેક દાદાગીરી ઓ બંધ કરાવવા નાટ્ય નિર્માતાઓ ની એક્તા ખુટે છે. એક વખત છ મહીના આવા ઓડીટોરીયમ માં શો કરવાના બંધ કરી દેવા જોઈએ, પછી જુઓ હોલનું મેનેજમેન્ટ નિર્માતાઓ ને શોધતું આવીને ઘુટણીએ પડે છે કે નહીં ?