ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ કલોલના ધારાસભ્ય ફતેસિંહ વખતસિંહ ચૌહાણ દ્વારા લોહાણા સમાજના પૂજનીય સંત જલારામ બાપા વિશે ટીપ્પણી કરતા સમગ્ર રઘુવંશી લોહાણા સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. જેથી ધારાસભ્ય સામે સખ્ત પગલા લઈ ફોજદારી ફરીયાદ દાખલ કરવા અંગે વેરાવળ સોમનાથ લોહાણા સમાજે રોષભેર આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે. લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, સોમનાથ પ્રમુખ લાલભાઈ અટારાની આગેવાનીમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓએ એકત્ર થઈ પ્રાંત અધિકારીને રોષભેર આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવેલ કે, “પુજ્ય સંત જલારામ બાપા” એ રઘુવંશી લોહાણા સમાજના ભગવાન હોવાથી સમગ્ર રઘુવંશી સમાજ ખુબ જ લાગણી પુર્વક માને છે. લોહાણા ઉપરાંત અન્ય સમાજો પણ જલારામ બાપામાં અનેરી આસ્થા ધરાવી ભગવાન માની પૂજા અર્ચના કરે છે. ત્યારે ધારાસભ્ય ફતેસિંહએ પૂ.જલારામ બાપા વિષે અવિચારી અને અવિવેકી શબ્દો વાપરી બફાટ કરતા લોહાણા રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. ત્યારે આ નિવેદનને વેરાવળ લોહાણા મહાજન સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવું નિવેદન કરનાર ધારાસભ્ય સામે ધોરણસરની દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર લોહાણા રઘુવંશી સમાજની માંગણી છે. આ બાબતે વિધાનસભાના અધ્યક્ષને જાણ કરી ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.