રાજકોટના રસ્તાઓ પર મોતને આમંત્રણ આપતા વાહનો, તંત્ર મૌન!
લોખંડના સળિયા, પીવીસી પાઇપ અને ભંગારથી ભરેલા વાહનો બેરોકટોક રોડ પર પસાર થાય છે
- Advertisement -
આ બેદરકારી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં પહેલેથી જ ટ્રાફિકની સમસ્યા માથું ઉંચકીને ઉભી છે, ત્યારે હવે શહેરના મુખ્ય માર્ગો પર લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમાતી બેદરકારી સામે આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નાના-મોટા વાહનોમાં લોખંડના લાંબા સળિયા, પીવીસીના પાઇપ અને ભંગાર જેવી ભારે વસ્તુઓ જોખમી રીતે લઇને વાહનો બેરોકટોક દોડતા જોવા મળી રહ્યા છે. આ વાહનોમાં સામાન યોગ્ય રીતે બાંધવામાં આવ્યો નથી અને ઘણી જગ્યાએ સામાન વાહનથી ઘણો બહાર નીકળતો જોવા મળે છે. જેના કારણે પાછળથી આવતા વાહનચાલકો અને બાઈક સવાર લોકો માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થાય છે. કોઈપણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવા છતાં પોલીસ અને આરટીઓ તંત્ર જાણે આંખ આડા કાન કરી બેઠું હોય તેવો દ્રશ્ય જોવા મળી રહ્યો છે.
શહેરના રસ્તાઓ પર ખુલ્લેઆમ લોકોના જીવ જોખમમાં મુકતા આવા વાહનો સામે કાર્યવાહી ન થવી તંત્રની કામગીરી પર મોટો સવાલ ઉભો કરે છે. પોલીસ વિભાગ દ્વારા ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઇવ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટનો ભંગ તેમજ અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના મોટા ચોક પર ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં આવા જોખમી વાહનો સામે કોઈ પગલાં ન લેવાતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતો બની ચૂક્યા છે. છતાં પણ તંત્રની આંખ હજુ સુધી ન ખુલી હોય તેવું લાગી રહ્યું છે. જો આવનારા દિવસોમાં આવી જ સ્થિતિ યથાવત રહેશે તો કોઈ ગંભીર દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગ અને આરટીઓ તંત્ર પર આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. શહેરમાં લોકોને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા આપવા માટે પોલીસ વિભાગ અને આરટીઓ તંત્રએ તાત્કાલિક સંયુક્ત અભિયાન ચલાવી આવા બેદરકાર વાહનો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.



