શાકભાજીના ભાવમાં કોઈ રાહત મળે તેવા સંજોગ નથી: વેપારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
ગુજરાતમાં ફરી એક વખત શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જેમાં વિવિધ શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા કિલોને પાર પહોચ્યો છે. બટેકા રૂપિયા 50 કિલો, ડુંગળી રૂપિયા 40 કિલો, બીટ રૂપિયા 60 કિલો થયુ છે. તેમજ ચોમાસાને પગલે લીલા શાકભાજીની આવક ઓછી થઇ છે. તેથી શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે.
- Advertisement -
બટાકા, ડુંગળી, ફ્લાવરના શાકના ભાવમાં વધારો થયો છે. મેથી રૂ.120 કિલો, પાલક 70 રૂ.કિલો, કોથમીર 100 રૂ.કિલો તેમજ ગવાર 140, ચોળી 200, ટિંડોળા 120 રૂપિયા કિલો થયા છે. ત્યારે ગૃહિણીઓએ જણાવ્યું છે કે જે શાક કિલો લેતા હતા એ હવે 500 ગ્રામ લઈએ છીયે. ટામેટા 50 રૂપિયામા મળતાં હતા હવે 30ના અઢીસો છે. બટેકાના ભાવ પણ વધ્યા એટલે બટેકા પણ કોઇ શાકમાં મિક્સ નથી કરી શકતાં. તેમજ અઠવાડિયાનું શાક 200 રૂપિયામા આવતુ તુ હવે તો બે ટાઈમનું શાક પણ આવતુ નથી. બહારગામથી આવતા શાકભાજીની આવક ઘટી છે એટલે ભાવ વધ્યા છે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે.
રાજકોટ સહિત વિવિધ શહોરેમાં શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. જેમાં કેટલાક શહેરોમાં પ્રતિકિલો ટામેટાનો ભાવ રૂપિયા 120ને પાર થયો છે. જેમાં બટેટા, ડુંગળી, ચોરા, ફ્લાવર, રીંગણ સહિતના શાકમાં ભાવ વધારો થયો છે. ચોમાસાને પગલે લીલા શાકભાજીની આવક ઓછી થઈ હોવાથી ભાવ વધ્યા છે. જેમાં ટામેટા એકાએક 100 રૂપિયા પ્રતિકિલોના ભાવને પાર પહોંચતા રસોડામાં ટામેટા વગરના શાક ગૃહિણીઓ બનાવવા મજબૂર બની છે. તેમજ હજુ શાકભાજીના ભાવમાં કોઈ રાહત મળે તેવા કોઈ સંજોગ નથી તેવું શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યાં છે.