કમોસમી વરસાદની અસરથી તુવેર, વાલોળ, ટમેટા સહિતના પાકોનું ઓછું ઉત્પાદન: ગૃહિણીઓ કઠોળ તરફ વળી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં સતત એક અઠવાડિયું વરસેલા કમોસમી વરસાદે (308 મીમી) શાકભાજીના પાક પર માઠી અસર પહોંચાડી છે, જેના કારણે યાર્ડમાં શાકભાજીની આવક ઘટી જતાં ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે.
- Advertisement -
વરસાદથી ઓછું ઉત્પાદન થવાના કારણે માર્કેટમાં તુવેર, વાલોળ, ગાજર, દેશી ટમેટા, કાકડી, મેથી અને કોબી ગુવાર જેવી શાકભાજીની આવક ખૂબ ઘટી ગઈ છે. સામાન્ય રીતે વઢવાણ યાર્ડમાં રોજના 700 મણ શાકભાજી આવતી હતી, તેમાં 25 થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આવકમાં ઘટાડો થતાં ભાવમાં મોટો વધારો થયો છે.
શાકભાજીના ઊંચા ભાવને કારણે ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું છે. ગૃહિણીઓએ જણાવ્યું કે, બજેટ સેટ કરવા માટે તેઓ હવે અઠવાડિયામાં 2 વાર કઠોળ બનાવીને ગુજરાન ચલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી જિલ્લામાં પાછોતરો વરસાદ શાકભાજીના વાવેતરને નુકસાન કરી રહ્યો છે. વર્ષ 2024-25માં શાકભાજીનું ચોમાસુ વાવેતર 7222 હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષની સરખામણીમાં 447 હેક્ટરનો ઘટાડો સૂચવે છે.



