વારંવાર ફાટક બંધ રહેતા એમ્બ્યુલન્સ પણ ફસાય છે: રેલવે અને નેતાગીરીના ઓરમાયા વર્તન સામે રોષ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
- Advertisement -
હળવદના વેગડવા રોડ પર આવેલું રેલવે ફાટક વારંવાર અને કલાકો સુધી બંધ રહેતા 15થી વધુ ગામના લોકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હળવદ પંથક મીઠાના પરિવહન (નુરભાડા) દ્વારા રેલવે તંત્રને કરોડો રૂપિયાની આવક રળી આપે છે, તેમ છતાં રેલવે તંત્ર દ્વારા પાયાની સુવિધા આપવા બાબતે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઇમર્જન્સીમાં જીવનું જોખમ: ફાટક બંધ રહેવાના કારણે સૌથી મોટી મુશ્કેલી ઇમર્જન્સી સારવાર માટે આવતા દર્દીઓને પડે છે. તાજેતરમાં જ ગામડામાંથી ડિલિવરીનો કેસ લઈને આવતી 108 એમ્બ્યુલન્સ ફાટક બંધ હોવાને કારણે લાંબો સમય ફસાઈ રહી હતી. દવાખાને પહોંચવામાં થતા વિલંબને કારણે દર્દીઓના જીવ પર જોખમ ઊભું થાય છે. આ ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
નેતાગીરી સામે લોકરોષ: સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે હળવદના વિકાસ અને પ્રજાની પાયાની સુવિધાઓ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે “હથેળીમાં ચાંદ” બતાવનાર નેતાઓ હવે પ્રજાની મુશ્કેલીઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. આર્થિક રીતે સદ્ધર ગણાતો હળવદ તાલુકો આજે રસ્તા અને ઓવરબ્રિજ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યો છે. 15 ગામના ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે વેગડવા રોડ પર તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજ મંજૂર કરી તેની કામગીરી શરૂ કરવામાં આવે.



