તાલુકા પોલીસે પ્રકાશ મકવાણા અને મનુ બેરડીયાને દબોચ્યા: મોજશોખ માટે રેકોર્ડની ચોરી કરી ભંગારના ડેલામાં વેંચતા હોવાનું સામે આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નજીકના વાવડીમાં આવેલી મનપાની વોર્ડ ઓફિસની ઉપર બેસતી ગ્રામ પંચાયતની કચેરીમાં રાખવામાં આવેલ રેવન્યુ રેકર્ડની ચોરી થતાં અનેક પ્રકારની શંકાઓ વ્હેતી થઇ હતી. લાખો-કરોડોના જમીન કૌભાંડો છૂપાવવા ચોરી કરાવાયાની શંકા વ્યક્ત થઇ હતી. ચાર મહિના પહેલા થયેલ ચોરીના બનાવમાં તાલુકા પોલીસને મોટી સફળતા સંપળી હતી. રાજકોટ મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં પ્રકાશ સુરેશ મકવાણા (ઉ.વ.36),(રહે. ઠક્કરબાપા નગર, યાજ્ઞિક રોડ સદર) અને મનુ કાના બેરડીયા (ઉ.વ.40)ને દબોચી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
- Advertisement -
વધુમાં પોલીસે જણાવ્યા પ્રમાણે બંને આરોપીઓ વાવડી વોર્ડ ઓફિસમાં – કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર નોકરી કરતા હતા. બંને ગટર સાફ કરવાનું કામ કરતા હતા. એટલું જ નહીં કોઇ ફરિયાદ મળે તો છોટા હાથી લઇને ગટર સાફ કરવા જતા હતા. બાકીનો સમય વાવડીની ઓફિસના નીચેના ભાગે બેસી રહેતા હતા. ઉપરના માળે જ્યાં રેવન્યુ રેકર્ડ રાખવામાં આવતું હતું ત્યાં બંને આરોપીઓ જમવા પણ બેસતા હતા. રવિવારે અને બુધવારે જ્યારે નીચે સેનિટરી ઇન્સ્પેક્ટરની ઓફિસમાં કોઇ હાજર ન હોય અને કોન્ટ્રાક્ટર એક કલાક માટે જમવા ગયો હોય ત્યારે બંને આરોપીઓ કબાટમાંથી રેવન્યુ રેકર્ડ ચોરી તેને પોતાના છોટા હાથીમાં નાખી વાવડી 40 ફૂટના રોડ ઉપર આવેલા પસ્તી ભંગારના ડેલામાં આપી આવતા હતા. આ રીતે બંને આરોપીઓએ પાંચેક વખત રેવન્યુ રેકર્ડની ચોરી કરી હતી. તેમાંથી અંદાજે બેથી અઢી હજાર જેવી રકમ મળી હતી. જે મોજશોખ પાછળ ખર્ચ કરી નાખી હતી, વાવડી વિસ્તારમાં જમીન બાબતેના મોટાપાયે વાંધા ચાલતા હતા. આ સ્થિતિમાં કોઇ મોટા કાવતરાના ભાગરૂપે રેવન્યુ રેકર્ડની ચોરી કરાયાની શંકા જાણકારો વ્યક્ત કરતા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે પોલીસ તપાસમાં સાવ નવી વિગતો જ બહારે આવી છે. ગઇ તા.18 માર્ચના રોજ તાલુકા મામલતદાર કે.કે. કરમટાએ આ ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી
ચાર મહિના પેહલાં થયેલ રેવન્યુ રેકર્ડ ચોરી મામલો ઘણો ચગ્યો હતો. જે મામલે તાલુકા પોલીસે એફએસએલની મદદ લઈ તપાસ આદરી હતી. તાલુકા પોલીસ મથકના પીઆઇ વિ.આર.પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.પી.ચાવડાની ટીમે ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તેમજ એફએસએલ ટીમના અધિકારીઓ ઓન તપાસમાં જોડાયા હતાં. ઓફિસમાં કામ કરતાં રેવેન્યુ તલાટી, સેનેટરી ઇન્સ્પેક્ટર, ડેમેજ કોન્ટ્રાકટર, મજૂરો તેમજ ચોરીમાં સંકળાયેલા શકદારો સહિત 40 લોકોની પૂછપરછ કરી હતી. તેમજ શહેરના 30 થી વધું ભંગારના ડેલા પણ ચેક કરવામાં આવ્યા હતાં. જે બાદ, છ શકમંદોને ગાંધીનગર એફએસએલમાં એસડીએસ ટેસ્ટ કરવામાં આવેલ અને બાદમાં આગવી ઢબે પૂછપરછ કરતાં ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.