ખાસ-ખબર સંવાદદાતા
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં સ્થિત જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર સ્ટેશન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ બે દિવસીય સ્ટેશન મહોત્સવમાં ભારતીય રેલ્વેના ભવ્ય વારસા, ઈતિહાસ, લોક કલા અને સંસ્કૃતિના સમન્વયની ઝાંખી વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ મહોત્સવ દરમિયાન રેલવેના ઈતિહાસ સાથે વિવિધ પ્રાચીન સ્ટેશનોના ફોટો પ્રદર્શનને વિદ્યાર્થીઓએ, યાત્રીઓ અને નાગરિકો સ્ટેશન પર પ્રદર્શન નિહાળ્યું હતું જેમાં તેમને રેલવેના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી મળી હતી.
જેમાં સેલ્ફી પોઈન્ટ લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને જાણીતા લોકગાયક રામન ભરવાડ, ઉમાબેન ગઢવી લોકગાયિકા, આકાશ નાવલિયા લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર, હિન્દી ગીતોની ગાયિકા અનિષા કૈરૈયા જેવા ઉત્કૃષ્ટ કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. આ મહોત્સવ દરમિયાન જૂનાગઢ રેલ્વે સ્ટેશનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ’સ્ટેશન મહોત્સવ કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ અભિનંદન આપ્યા હતા.