ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં અપૂરતા વરસાદ અને હાલ વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિને લઈને ખેડૂતો ચિંતિત છે. જોકે, વંથલી શહેરમાં આવેલ ઓઝત વિયર ડેમના દરવાજા ખુલ્લા હોવાથી પાણી વહી રહ્યું છે. જો ટૂંક સમયમાં વરસાદ નહીં આવે, તો પાણીની અછત સર્જાઈ શકે છે, જે ભવિષ્યમાં શહેરમાં પીવાના પાણીની તંગી અને ખેતરોમાં ઉભા પાકને પાણી ન મળવાને કારણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આ સંભવિત સમસ્યાને ધ્યાનમાં રાખીને, વંથલી નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયાએ સાંસદ, ધારાસભ્ય અને સિંચાઈ વિભાગને પત્ર લખીને તાત્કાલિક ઓઝત વિયર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવાની માંગ કરી છે. આ પગલાથી પાણીનો સંગ્રહ થઈ શકશે અને ભવિષ્યમાં પાણીની તંગીનો સામનો કરવામાં મદદ મળશે. આશા છે કે આ માંગણી પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે, જેથી ખેડૂતો અને શહેરીજનોને રાહત મળી શકે.
ઓઝત વિયર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવા વંથલી નગરપાલિકાની માંગ



