વંથલી શહેર અને તાલુકાની કરોડો રૂપિયાની જમીનને જુનાગઢ જીલ્લા પંચાયતનાં મહિલા પ્રમુખનાં પતિ દ્વારા હડપ કરવાના મુદ્દે કોંગ્રેસનું આવેદન પત્ર
રામધૂન બોલાવી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવા કરી બુલંદ માંગ
ફરિયાદ ન થાય તો ઉપવાસ અને હાઈકોર્ટનાં દ્વાર ખખડાવવાની આપી ચીમકી
આજરોજ વંથલી શહેર અને તાલુકાની સરકારી જમીન પર જુનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખ પતિ અને ભાજપ આગેવાન દિનેશ ખટારીયા દ્વારા કબજો કરી હડપ કરી લેવાની મેલી મુરાદ નાં પગલે વંથલી કોંગ્રેસ દ્વારા ગુજરાત નાં રાજ્યપાલ ને સંબોધી વંથલી મામલતદાર ને આવેદન પત્ર આપી ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો. સમગ્ર મુદ્દે વધુ વાત કરીએ તો વંથલી શહેર ની મધ્ય માં સુરજકુંડ રોડ પર આવેલી પી.ડબલ્યુ. ડી. હસ્તક ની સરકારી જમીન પર દિનેશ ખટારીયા દ્વારા ત્રણ માળ નું મકાન નું બાંધકામ કરી પોતાની ઓફીસ બનાવવામાં આવી છે. તેમજ વંથલી શહેર નાં બસ સ્ટેશન નજીક બેંક ઓફ બરોડા ની સામે સાર્વજનિક પ્લોટ પર કબજો કરી પોતાની મુરલીધર સેવા સહકારી મંડળી નાં નામે ઠરાવ કરી હડપ કરી લેવાની પેરવી ચાલી રહી છે. તેમજ વંથલી માણાવદર રોડ પર સરકારી પડતર જમીન પર દિનેશ ખટારીયા દ્વારા પેવીંગ બ્લોક નું કારખાનું ગેરકાયદેસર રીતે શરુ કરી દેવામાં આવ્યુ છે અને આવી પેશકદમી ની જમીન પર સત્તાના જોરે વીજ કનેક્શન પણ લઇ લેવામાં આવ્યું છે. આ બાબતે હાલ જ જીલ્લા પંચાયત ની સામાન્ય સભા માં આ મુદ્દે જુનાગઢ જીલ્લા પંચાયત નાં વિરોધ પક્ષ નાં નેતા હમીર ધૂળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ સામાન્ય સભા માં સદસ્ય ન હોય તેવા લોકો દ્વારા બળજબરી થી આવા ઠરાવો કરાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર મુદ્દે આજરોજ માણાવદર વિધાનસભા ના પ્રભારી હરિભાઈ કણસાગરા, જુનાગઢ જીલ્લા કોંગ્રેસ નાં મહામંત્રી વી.ટી.સીડા, વંથલી તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા, વંથલી શહેર પ્રમુખ ઈરફાન શાહ તેમજ અનેક કોંગ્રેસી આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી, મામલતદાર કચેરી સામે રામધુન બોલાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો.