ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેરમાં આવેલ રેયોન કંપની પાસેના જકાતનાકાની પાછળના ભાગમાં સ્કૂટર પાર્કિંગ વિસ્તારમાં મોડી રાત્રીના ચારથી પાંચ સિંહ આવી ચઢ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જો કે, વનવિભાગે પણ એક સિંહ જોવા મળ્યો હોવાની પુષ્ટી કરી હતી. આ વાતની જાણ વન વિભાગને થતા રાત્રિના જ વનકર્મીઓ દ્વારા સિંહને સલામત રીતે નજીકના ડારી જંગલ તરફ લઈ જવામાં આવ્યો હતો. આ સિંહ ખોરાકની શોધમાં શહેરના સીમાડા સુધી પહોંચી ગયો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી વેરાવળના પ્રવેશદ્વાર પાસે આવેલ ડારી ગામના દરિયાકાંઠાના જંગલ વિસ્તારમાં સિંહ, સિંહણ અને બાળ સિંહોના સાતેક સભ્યોનો પરિવાર વસવાટ કરી રહ્યો છે. આજ પરિવારનો સિંહ રાત્રિના સમયે શહેરના સીમાડે પહોંચ્યો હોવાનું વન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.