શ્રોતાઓને ખરીદવા ન પડતાં, હજારો લોકો સ્વયંભૂ આવતાં
જગદીશ આચાર્ય
ચૂટણીઓ,ચૂંટણી સભાઓ તેમ જ નેતાઓ અને લોકો વચ્ચેની નજદીકિયાનો પણ એક અલગ યુગ હતો,અલગ જમાનો હતો.
રાજકોટ પહેલેથીજ સૌરાષ્ટ્રનું રાજકીય કેન્દ્રબિંદુ રહ્યું છે.અને એટલે જ દરેક ચૂંટણી સમયે તમામ પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ રાજકોટની મુલાકતે આવતાં રહ્યા છે.
- Advertisement -
આજે પણ મોટાગજાના નેતાઓ સભાઓ ગજવવા તો આવે છે પણ એ સભાઓમાં સ્વયંભૂ મેદની નથી થતી.સ્થાનિક નેતાઓ નાણાંના જોરે વેચાતી ભીડ ભેગી કરે છે. વાહનોમાં બેસાડી બેસાડીને શ્રોતાઓને લાવવામાં આવે છે.ફૂડ પેકેટો આપવામાં આવે છે.રાજકીય પક્ષો પાસે પેઇસાનો તો તુટો નથી એટલે ભવ્ય મંચો શણગારવામાં આવે છે. લાખોના ખર્ચે ડોમ બનાવાય છે. હવે ગરીબ પાથરણાના જમાના તો ગુજર ગયા.મોંઘેરા શ્રોતાઓ માટે ખુરશીઓ ગોઠવવામાં આવે છે. વધારે પડતાં મોંઘેરા હોય તેમના માટે વળી સોફાઓ ગોઠવાય છે.બિરાજો મહાનુભાવો બિરાજો,આપને ગરમી ન લાગે એટલે પંખા પણ રાખ્યા છે.નેતાજી નો વટ પડી જાય એટલા લોકો ઠલવાઇ જાય તે પછી કાળા વસ્ત્રોધારી જવાનોના રક્ષણ કવચ વચ્ચેથી મંચ ઉપર પ્રગટી આદરણીય અને માનનીય નેતાજી દેશને સીધા જ 25મી સદીમાં લઇ જવાના બુલંદ ભાષણો ઠપકારે છે.અભિનયોના ઓજસ પાથરે છે.આગલી હરોળના કાર્યકરો નક્કી કરેલા સૂત્રોના ગગનભેદી પોકારો કરે છે.
પણ અગાઉની સભાઓ નિરાળી હતી.વડાપ્રધાનની સભા હોય તો પણ સાદો મંચ બનતો.મંચથી થોડે જ દૂર પાથરણા પથરાતા.ઈન્દિરાજી કે વાજપેયીજીની સભાઓ શાસ્ત્રી મેદાનમાં થતી.સભા સમય પહેલા એક કલાકથી લોકોનું આગમન શરૂ થઈ જતું.લોકો સ્વયંભૂ આવતા.આજે તો મેદાન ભરાય જાય તેની રાહ જોવી પડે છે અને ઉપસ્થિત શ્રોતાઓ કંટાળે નહીં એટલે ટુચકા કહેતાં હાસ્ય કલાકારો અને લોકગાયકોને બેસાડવા પડે છે.પણ એ વખતે એવું ન થતું.ઈન્દિરાજી કે વાજપેયીજી આવે એટલે ઉત્તેજના પ્રસરી જતી.તાળીઓના ગડગડાટ થતા.ભારત માતાકી જય અને જય હિંદના નારા લાગતા.ઇન્દિરાજી ભાષણ કરતી વખત વારે વારે સાડીનો છેડો માથા પર મુકવાનું ભૂલતાં નહીં. વાજપેયીજી ધોતી અને ઝભ્ભામાં સજ્જ થઈ ને આવતાં.
વાજપેયીજી સૌથી વધારે લોકપ્રિય નેતા હતા.એ વખતે લોકો જનસંઘને મત ન આપતાં પણ અટલજીને સાંભળવા અચૂક ઉમટી પડતાં. કોંગ્રેસના ચુસ્ત સમર્થકો પણ તેમને સાંભળવા આવતા અને કોંગ્રેસ પરના જ એમના વ્યંગ કટાક્ષને મનભરીને માણતા. વાજપેયીજી ના ભાષણો શેર,શાયરી,કવિતાઓ અને વાર્તાઓથી ભરપૂર રહેતાં. તેમાં રમુજો આવતી.મંચ ઉપર તેઓ સિંહ સમાન શોભતા.બે વાક્યો વચ્ચે આંખો બંધ કરીને તેઓ પોઝ લે ત્યારે આખા મેદાનમાં પીન ડ્રોપ સાયલન્ટ થઈ જતું.અને પછી હાસ્યો નું હુલ્લડ થતું.તાળીઓના ગડગડાટ થતા.વાજપેયીજી શ્રોતાઓ ઉપર રીતસરની ભુરકી જ છાંટતા.સભા પુરી થયે લોકો એમને નજીકથી નિહાળવા માટે મંચને ઘેરો ઘાલતા.
દ્વિતીય હરોળના નેતાઓની સભાઓ ઢેબર ચોકમાં થતી.જયપ્રકાશ નારાયણની સભામાં આખું શાસ્ત્રી મેદાન ભરાઈ ગયું હતું.નાદુરસ્ત તબિયતને કારણે તેમણે બેઠા બેઠા જ સંબોધન કર્યું હતું.
- Advertisement -
એ સમયે આતંકવાદની સમસ્યા નહોતી.નેતાઓને પોતાની કત્લ થઈ જવાનો ખોફ સતાવતો નહીં.મશીનગનધારી રક્ષકોથી નેતાઓ ઘેરાયેલા ન રહેતાં. લોકોને તેઓ ઉમળકાથી મળતા.
ઈન્દિરાજી રાજકોટ આવે ત્યારે એરપોર્ટથી સરકીટ હાઉસ સુધી અને પછી ત્યાં થી શાસ્ત્રી મેદાનના રસ્તે બન્ને તરફ લોકો લાઈનો લગાવીને કલાકો ઇન્તેજાર કરતા.પોલીસની પાઇલોટ જીપ સાયરન વગાડતી નીકળે એટલે લોકોમાં ઉત્તેજના વ્યાપી જતો.ટ્રાફિક પોલીસ સિટીઓ પર સીટી વગાડવા લાગતા.ઈન્દિરાજી ખુલ્લી જીપમાં ગળામાં હાર પહેરીનેઉભા રહેતા.જીપ ધીમે ધીમે ચાલતી.તેમની આગળની જીપમાં ગુણવંતભાઈ સેદાણી અને અન્ય ફોટોગ્રાફર્સની જીપ રહેતી.ફટાફટ ફોટા પડતાં જતા.ઈન્દિરાજી ગોગલ્સ પહેરતાં.રસ્તાની બન્ને તરફ નમસ્કારની મુદ્રા કરી અભિવાદન ઝીલતા.લોકોનો ઉત્સાહ સમાતો નહીં. ફૂલછાબ ચોકમાં ભીલ અને મુસ્લિમ સમાજના લોકો પાસે તેમનું વાહન ઉભું રહેતું.એ જ રીતે મોટી ટાંકી ચોકમાં પણ જીપ રોકાતી.ઈન્દિરાજી બધા પાસેથી પુષ્પહાર સ્વીકારતાં અને પછી એ જ હાર લોકો તરફ ફેંકતા.એ હાર માટે પડાપડી થતી.ઈન્દિરાજીનો કરિશ્મા જાદુ પાથરી જતો.
વાજપેયીજીની સાદગી અને સરળતા બધાને સ્પર્શી જતાં. તેઓ છૂટથી લોકોને મળતાં. લોધાવાડ ચોકમાં ચીમનભાઈ શુકલના ઓટલે વાજપેયીજી ચાહકોથી ઘેરાઇને વાર્તાલાપ કરતાં હોય એ દ્રશ્યો આજે પણ રાજકોટમાં હજારો લોકોને યાદ હશે.
રાજીવ ગાંધી પણ રાજકોટ આવે ત્યારે રસ્તા પર તેમનો કાફલો લોકોનું અભિવાદન ઝીલવા રોકાઈ જતો.અત્યંત ચાર્મિંગ પર્સનાલિટી ધરાવતા રાજીવને નિહાળીને લોકો મંત્ર મુગ્ધ બની જતા.મહિલાઓ તેમના ઓવારણાં લેતી.
જો કે ઇમરજન્સી પછીની ચૂંટણી વેળા ચિત્ર બદલી ગયું હતું.ઈન્દિરાજી માટે અત્યારની ઝેડ પ્લસ સમકક્ષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી.રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.સભા સ્થળ સુધીના માર્ગ પર લોકોની અગાશીઓનો કબ્જો લઈ દુરબીનો સાથે સુરક્ષા જવાનો ચોકી પહેરો ભરતા.
ઇમરજન્સી બાદ ઇન્દિરા અને કોંગ્રેસ વિરૂદ્ધ પ્રચંડ રોષ વ્યાપી ગયો હતો.ઢેબર ચોકમાં લગભગ દરરોજ સભાઓ થતી.દેશ આખામાં વાજપેયીજી ની ભારે ડિમાન્ડ હતી.તેઓ બધે પહોંચી શકે તેમ ન હોવાથી એમની અન્ય સભાનું રેકોર્ડિંગ રેસકોર્સમાં માઇક પર સંભળાવવામાં આવતું.વાજપેયીજીનો અવાજ આખા આસમાનમાં ફરી વળતો.હજારો લોકો કાન દઈને એ સાંભળતાં.જનતા મોરચાનો વિજય નિશ્ચિત બની ગયો હતો.દેશમાં પ્રથમ ગઠબંધન સરકારનો પાયો નખાઈ ગયો હતો.
એ નેતાઓ,એ ચૂંટણી સભાઓ અને એ ભાષણો હવે ભૂતકાળ બની ગયા.રાજકારણનો ચહેરો બદલી ગયો છે. સમયના વહેણ સાથે પ્રચાર માધ્યમો અને પ્રચાર પદ્ધતિમાં ધરખમ ફેરફારો થઈ ગયા.હવે આડંબર અને ભભકો વધી ગયા છે.નેતાઓ લોકોથી એક એક ગાઉ છેટા રહે છે. ભાષણોમાં જુઠાણા અને ઝેર ઓકવામાં આવે છે. અગાઉ ટીકાઓ થતી પણ તેમાં વ્યક્તિગત ટિપ્પણીઓ ન થતી.વાણીમાં કે હૃદયમાં કડવાશ નહોતી.સંસ્કારિતા અને ગરીમાનું એક ચોક્કસ ધોરણ બધા જાળવતાં.આજે એ બધું કલ્પના સમું લાગે છે પણ એ હકીકત છે કે એક સમયે આવા પણ નેતાઓ હતા અને આવી પણ ચૂંટણી સભાઓ થતી.અને આવું પણ ભારત હતું