મેઘકેરથી ગુજરાતને કરોડોનું નુક્સાન: રોડ-પુલમાં ગાબડાં: ઠેર-ઠેર વૃક્ષો અને થાંભલા જમીનદોસ્ત: શાકભાજી-અનાજ વગેરેની સપ્લાય ચેઈન ખોરવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે દક્ષિણ – મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર – કચ્છમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ‘આફતના વરસાદ’ને કારણે રાજ્યમાં ઉભા પાક, પાવર સપ્લાય નેટવર્ક, જીલ્લા અને રાજ્ય હાઇવે, સરકારી અને ખાનગી સંપતિઓને કરોડોનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો તથા વડોદરામાં અનેક વિસ્તારો – સોસાયટીઓ બેટમાં ફેરવાઇ જતાં લોકોની ઘરવખરી, અનાજ, કઠોળ, ઇલેકટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઇ છે. ઘરોમાં કાદવ – કિચડ ભરાઇ જવાથી લોકોને હાલાકી પડી રહી છે. પૂરપ્રકોપમાં 29 જેટલી માનવ જિંદગી હોમાઇ છે એટલું જ નહિ અનેક લોકો લાપત્તા છે, મોટા પ્રમાણમાં પશુધન પણ તણાઇ જતાં માલધારીઓ મુશ્ર્કેલીમાં મુકાઇ ગયા છે, ગુજરાતમાં સપ્લાઇ ચેઇન તૂટી ગઇ છે કારણ કે અનેક જિલ્લાઓના 523 માર્ગો બંધ કરી દેવાયા છે તેવામાં શાકભાજી – દૂધની અનેક જગ્યાએ તંગી શરૂ થવા પામી છે. 50 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. એસટીના અનેક રૂટ બંધ કરી દેવાયા છે.
વિશ્ર્વામિત્રી નદી ગાંડીતૂર વડોદરા શહેર ડૂબ્યું
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્ર્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને એના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયાં છે. એને કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, વિશ્ર્વામિત્રી નદીની સપાટી 32.50 ફૂટે આવી ગઈ છે. સાંજ સુધીમાં પૂરના પાણી ઉતરશે. આજે પૂરથી થોડી રાહત મળી શકે છે. વડસર વિસ્તારમાં આવેલી કાંસા રેસિડેન્સી સહિતની સોસાયટીઓમાંથી ગઉછઋની ટીમે 176 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. જેમાં 58 બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમજ એક શ્ર્વાનનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગઉછઋની ટીમ અને રેસ્ક્યુ કરાયેલા લોકોને વડસરની વલ્લભ રેસીડેન્સીના લોકોએ ભોજન બનાવીને જમાડ્યા હતા.
વિશ્ર્વામિત્રી નદીના કિનારે આવેલા અને સૌથી વધારે પ્રભાવિત થયેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં 12 થી 15 ફૂટ પાણી ભરાઇ ગયા હતા. પાણી ઓસર્યા છતાં કિનારાના વિસ્તારોમાં હજુ 10 ફૂટ પાણી છે. પૂરના પાણી મુખ્ય માર્ગ ઉપરથી ઓસરી જતાં સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ, પાણીની બોટલો, ખીચડી શાક, રોટલી શાક લઈને આવી પહોંચ્યા હતા. મદદ લેવા માટે લોકો એ ભારે ધસારો કર્યો હતો. લોકોએ પાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો. કહ્યું, દર વર્ષે પૂર આવે છે. વચનો આપી જાય છે. પરંતુ કોઇ કાર્યવાહી થતી નથી. 30 વર્ષથી ભાજપને કોર્પોરેશનમાં મત આપીએ છીએ. પરંતુ, કોઇ કામ થતાં નથી. દર વર્ષે અમારે નુકસાન વેઠવું પડે છે. પરશુરામ ભઠ્ઠા, દર્શનમ એવન્યુ, નટરાજ ટાઉનશિપમાં 10 થી 12 ફૂટ પાણી ભરાયા છે. તંત્ર હજુ પહોંચ્યું નથી.
ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેર અને જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાં બચાવ-રાહત કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવામાં આવી રહી છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળોએ આશ્રય આપવામાં આવી રહ્યો છે અને તેઓને પ્રાથમિક જરૂરિયાત સહિતની સેવાઓ પણ સુપેરે આપવામાં આવી રહી છે.
ડભોઇ તાલુકામાં પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ચાલુ સીઝનમાં પહેલીવાર વ્યાપક પ્રમાણમાં પાણી ઉપરવાસમાં વરસાદને લઈ દેવ ડેમમાંથી છોડયું હતું. જેને પગલે બંને નદીઓ ગાંડીતૂર બની વિનાશ વેર્યો હતો. જેને કારણે ડભોઇ તાલુકાના 17 ગામોને અસર થઈ હતી. ગામો, ઘર, રોડ-રસ્તા ઉપર ચારેકોર જળબંબાકાર જેવી પરિસ્થતિ જોવા મળી હતી. આજે વિસ્તારનાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને અસરગ્રસ્તોને આર્થિક સહાય મળે સાથે ખેડૂતોને પણ નુકસાની વળતર મળે તે માટે સૂચનો કર્યા હતા.
ગુજરાત રાજ્યમાં મોટાભાગની નદીઓ બેકાંઠે હતી. ડભોઇ પાસેથી પસાર થતી દેવ તેમજ ઢાઢર નદીમાં પણ 26મી ઓગસ્ટનાં રોજ વ્યાપક પ્રમાણમાં પાણીની આવક વધી અને નદીઓ ગાંડીતૂર બની ડભોઇ પાસેનાં સિમળિયા અને થુવાવી જિલ્લા પંચાયતના 17 ગામો જેમાં બંબોજ, દંગીવાળા, નારણપુરા, કબીરપૂરા, કરાલી, કરાલીપૂરા, મગનપૂરા, ભીલાપૂર, થુવાવી, અંગુઠન, નારિયા, રાજલી, બનૈયા, ઢોલાર સહિતના ગામોમાં બંને નદીઓએ વિનાશ વેર્યો હતો અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. લોકોની ઘરવખરીને નુકસાન પહોચ્યું હતું. સાથોસાથ ખેતીને પણ મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ વિસ્તારોની મુલાકાત લેવાના આવી અને અસરગ્રસ્તોને કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે આર્થિક સહાય તેમજ ખેતી નુકસાની વળતર મળે તે માટે પણ અધિકારીઓને સૂચન અપાયું હતું.
ભયંકર રોગચાળાની દહેશત
પૂરમાં તબાહ થઇ ગયેલ વડોદરામાં પૂરની સ્થિતિમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે સ્વચ્છતા પર યુદ્ધના ધોરણે કામ થાય તે માટે વડોદરા, અમદાવાદ અને સુરત પાલિકાની સફાઇ સેવકોની ટીમો મશીનરી સાથે વડોદરા આવી પહોંચી છે. આ ટીમોને ઇન્દ્રપુરી અતિથિ ગૃહ ખાતે એકત્ર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના કામની વહેંચણી કરવામાં આવી હતી. જે વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા છે તેવા વિસ્તારોમાં સફાઇ, અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે મેડિકલ ચેકઅપની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. કેલ્ક્યૂલેટેડ રીસ્ક લીધું હતું વડોદરા છેલ્લા ત્રણ દિવસથી પૂરની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. તાજેતરમાં સત્તાધીશો દ્વારા આજવા સરોવરના દરવાજા બંધ કરીને શહેરને પૂરમાંથી ઉગારવા માટેનું કેલ્ક્યૂલેટેડ રીસ્ક લીધું હતું. જે હાલ ફળીભૂત થતું જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદીનું જળસ્તર ક્રમશ: ઘટી રહ્યું છે. જે બાદ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પણ પાણી ઓસરવાના શરૂ થઇ ગયા છે. જેને પગલે જે તે વિસ્તારોમાંથી પાણી સાથે આવેલી ગંદકી દૂર કરવા માટે અમદાવાદ અને સુરત પાલિકાની ટીમો વડોદરા આવી પહોંચી છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના 100 સફાઈ કર્મચારી, બે અધિકારી, 10 જેસીબી અને અન્ય વાહનો વડોદરા આવી પહોંચ્યા છે. તે સાથે વડોદરા કોર્પોરેશનની સફાઇ સેવકોની ટીમો, આરોગ્યની ટીમો કામે કરી રહી છે.