3 કલાકની ચેકિંગ બાદ કંઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળતાં તંત્રએ હાશકારો લીધો, કચેરી ફરી રાબેતા મુજબ શરૂ
અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેકશન વડોદરા સાથે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા જ દોડધામ મચી ગઈ હતી. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, ’1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.’ આ ગંભીર ઘટનાને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ તથા ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અરજદારોનો પ્રવેશ બંધ કરાવી ત્રણ કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો અને કલેક્ટર કચેરીની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 18 ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર અને કલોલ સહિતની સ્કૂલોને મળેલા મેલમાં 1.11 વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને 1 વાગ્યે ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો.
એક સાયબર એક્સપર્ટે નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે બોમ્બ થ્રેટના મેલ 3 અલગ અલગ સ્ટાઇલથી આવ્યા છે. જેમાં પહેલી રેની જોશિલ્ડાવાળી પેટર્ન ઓળખાઈ ગઈ છે. આ પેટર્નથી હવે ધમકી નથી મળતી.
જ્યારે વડોદરા કલેક્ટર કચેરીને મળેલા થ્રેટ મેલની પેટર્નથી અગાઉ અમદાવાદમાં ધમકીભર્યો મેલ મળી ચૂક્યો છે. જે હજુ સુધી અનઆઇડેન્ટિફાઇડ છે. તો અમદાવાદમાં ગઇકાલે જે એક સાથે 19 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી તે ખાલિસ્તાન પેટર્નથી થ્રેટ મેલ આવ્યો હતો. જે નવી પેટર્ન છે. ઉઈઙ, મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરીની અંદર અને બહાર ચેકિંગ કરવામાં આવ્યું પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વહેલી સવારે 6 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો. ગઈકાલે અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેકશન છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે.
ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી નામાંકિત સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલતા ભારે દોડધામ મચી હતી. જેમાં તપાસના અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. જ્યારે થોડા મહિના પહેલા આજ પ્રકારે વડોદરાની નામાંકિત સ્કૂલ, કંપની અને કલેકટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જોકે તે સમયે પણ તપાસ દરમિયાન કલેક્ટર કચેરીમાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રે હાશકારો અનુભવાયો હતો.



