આસામ પોલીસે કયા મુદ્દે તેની ધરપકડ કરી છે તે જણાવ્યુ નથી કે એફઆરઆઈની કોપી આપી નથી. હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. હું મારી લડત ચાલુ રાખીશ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આસામ પોલીસે બનાસકાંઠા ના પાલનપુર ખાતેથી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ની મોડી રાત્રે ધરપકડ કરી છે.
આસામ પોલીસે જીજ્ઞેશ મેવાણીની આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદથી આસામ લઈ જવા રવાના થઈ હતી. જીજ્ઞેશ મેવાણીએ કરેલા ટ્વીટ મામલે ધરપકડ કરાઈ હોવાનું સૂત્રોનુ કહેવુ છે. જીજ્ઞેશ મેવાણીની ધરપકડ થઈ હોવાના સમાચાર વહેતા થતા જ, મેવાણીના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો.જિજ્ઞેશ મેવાણીના વકીલ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે જિજ્ઞેશ મેવાણીએ કરેલા એક ટ્વીટ મામલે અરજી થઈ હતી અને આ અરજી બાદ ફરિયાદ થઈ છે. તેમના ટ્વીટના લીધે ગુજરાતમાં વાતાવરણ ડહોળાયું હોવાનો આક્ષેપ કરાયો છે.
જીજ્ઞેશ મેવાણીની ધરપકડના સમાચાર મળતાં જ તેમના સમર્થનમાં મધરાત્રે એરપોર્ટ પર સમર્થકો ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ પહોંચી ગયા હતા. એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો પહોંચ્યા હતા. જેમાં સી.જે.ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડા વાલા અને તેના સમર્થકો સહિતના લોકો એરપોર્ટ પર પહોચી ગયા હતા. આ ઉપરાંત શહેર કોંગ્રેસના નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત મોટી સંખ્યાાં કોંગ્રેસ સમર્થકો પણ એરપોર્ટ પહોંચ્યા હતા અને જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસના વિરુદ્ધમાં નારેબાજી થઈ હતી.


