ભારતીય સમાજની ઓળખ માટે ગામડું મહત્વનું એકમ છે. આઝાદી પછી છેલ્લા છ દસકા દરમ્યાન ઔદ્યોગિકરણ અને શહેરીકરણ ઉત્તરોતર વધી રહ્યા છે તેમ છતાં દેશની વસ્તીનો મોટો ભાગ ગામડાઓમાં રહે છે. ગુજરાત ઔદ્યોગિક કરણમાં મોખરે હોવા છતાં ગુજરાતની મોટી વસતી ૧૮ હજાર ગામડાઓમાં રહે છે. વર્તમાન સરકાર ગ્રામીણ વિકાસ માટે સતત પ્રયાસ કરી રહી છે.
ગામડું બદલાઈ રહ્યું છે તે હકીકત છે. ગુજરાતનો વિચાર કરીએ તો મધ્ય ગુજરાતમાં ચરોતર કાનમ વાકળ ભાલ જેવા ભૌગોલિક સામાજિક વૈવિધ્યવાળા પ્રદેશો છે એ જ રીતે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર એવા ભૌગોલિક વિવિધતા વાળા પ્રદેશોમાં પણ પેટાવિભાગો છે આદિવાસી વિસ્તારોમાં પણ વૈવિધ્ય છે આવા પ્રદેશોના ગામડાનો અભ્યાસ ગ્રામીણ ગુજરાતનો વાસ્તવદર્શી પરિચય આપવામાં મદદરૂપ થાય. ગામડું એક સમુદાય છે. ડો. પંકજ કુમાર મુછડીયા જણાવે છે કે જીવલેણ પુરવાર થઇ રહેલી કોરોનાની બીજી લહેરે ગ્રામીણ વિસ્તારોમાં પણ હાહાકાર મચાવ્યો. દર્દીઓના ટપોટપ મોત થયા બાળકો માતા-પિતા વિહોણા બન્યા સ્ત્રીઓ વિધવા થઈ. યુવાનો બેરોજગાર બન્યા. આવી અનેક પ્રકારની અસર ગ્રામીણ ગુજરાતમાં કોરોનાને લીધે ઉદભવી. સરકારે કોરોના સામેની લડાઇને વધુ અસરકારક બનાવવા દેશભરમાં મોટાપાયે વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરી.
- Advertisement -
1લી મેથી દેશભરમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની નવી નીતિ જાહેર થઈ. શહેરી વિસ્તારોમાં મોટાપાયે વેક્સિનેશન થયું તેની સામે ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન ઓછું થયું તેમાં મુખ્યત્વે કેટલીક અંધશ્રદ્ધાઓ જવાબદાર છે. માનતા માનવાથી કોરોના નહીં થાય, વેક્સિન લઈશું તો ભગવાન કોપાયમાન થશે, રસી લેશું તો મરી જઈશું વગેરે પ્રકારની અંધશ્રદ્ધાઓ ગ્રામીણ ગુજરાતમાં જોવા મળે છે. ગ્રામીણ ગુજરાતમાં પ્રભાવી જ્ઞાતિનું વર્ચસ્વ જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રભાવી જ્ઞાતિ જો વેક્સિન મેળવવા આગળ આવે તો અન્ય પછાત જ્ઞાતિઓ પણ વેક્સિન લેવા માટે આગળ આવી શકે. ગ્રામીણ વિસ્તારના મુખ્ય મંદિરમાં વેક્સિન કેન્દ્રો ઉભા કરી લોકોને દેવદર્શન સાથે વેક્સિન આપવી જોઈએ કારણકે ભારતીય ગ્રામીણ લોકો દેવી-દેવતાઓમાં વિશેષ શ્રદ્ધા ધરાવતા હોય છે.
ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પર્યટન સ્થળોએ પણ અથવા તો ગામડાના પ્રખ્યાત મંદિરોમાં પણ વેક્સિન કેન્દ્રો ઉભા કરી લોકોને વેક્સિન મેળવવા માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ. ભારતના વિવિધ ધર્મના સંપ્રદાયના વડાઓએ પણ પોતાના શિષ્યગણોને વેક્સિન અંગે યોગ્ય માર્ગદર્શન આપી સરકારી નિયમોનું પાલન કરવા સૂચન કરવું જોઈએ. ઓનલાઇન શિક્ષણ આપતા કોલેજના અધ્યાપકોએ પણ પોતાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વેક્સિન અંગે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. ગ્રામીણ વિસ્તારના શિક્ષિત યુવક યુવતીઓ પોતાના જ ગામડાના લોકોને વેક્સિન અંગેની અંધશ્રદ્ધા દૂર કરવા માટે કાર્ય કરે તો સરકારનું વેક્સિન અંગેનું કાર્ય સિદ્ધ થઈ શકે. વેક્સિન અંગેના ફાયદા વેક્સિન લીધા પછી બે દિવસ થતી અસરો જેમ કે સામાન્ય તાવ આવવો કળતર થવી વગેરેની જાણકારી આપવી જોઈએ. આપણને કંઈ થવાનું નથી એવી માન્યતા વિનાશક બની શકે રસી અચૂક લેવી જોઈએ.