રાજકોટની 40 જેટલી શાળાઓ ફાયર સેફટીના વાંકે હજુ બંધ: તા.27થી 29 સુધી શાળા પ્રવેશોત્સવ ઉજવાશે: રાજયમાં 30થી વધુ નિવાસી શાળાઓ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા12
- Advertisement -
રાજકોટ સહિત રાજયભરની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેના પગલે 54 હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડના પગલે રાજકોટ શહેર-જિલ્લાની 100 સહિત રાજયની એક હજાર જેટલી શાળાઓને ફાયર સેફટીના મામલે સીલ મારી દેવાયા હતા.
આ મામલે રાજકોટમાં શાળા સંચાલકોએ જો શાળાઓના સીલ નહીં ખોલાય તો શિક્ષણ કાર્ય ઠપ્પ કરી દેવાની ધમકી આપી મ્યુ.કમિશ્ર્નર અને કલેકટરને રજૂઆત કરી હતી. જે બાદ શાળાઓ ખોલવાની શરતી મંજુરી આપી દેવાતા આથી શાળાઓ ધમધમી ઉઠી છે. જોકે રાજકોટની 40 જેટલી શાળાઓ ફાયર સેફટીના મામલે હજુ બંધ રહેવા પામેલ છે. જેમાં 15 ગ્રાન્ટેડ અને 25 જેટલી ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે.
રાજકોટ સહિત રાજયની 54 હજારથી વધુ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થતા જ વિદ્યાર્થીઓ વેકેશનની મોજમજા બાદ ફરી અભ્યાસમાં લાગી ગયા છે. શાળાઓ શરૂૂ થતાની સાથે જ આગામી તા.27, 28 અને 29મી જુન એમ, ત્રણ દિવસ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આમ, ફરી એકવાર સ્કૂલ કેમ્પસ વિદ્યાર્થીઓથી ધમધમતુ થઈ જશે.
- Advertisement -
શહેરમાં પડતી કાળઝાળ ગરમીને લઈને વેકેશન લંબાવવામાં આવશે તેવું વાલીઓ ઈચ્છતા હતા. આમ, છેલ્લી ઘડી સુધી વેકેશન લંબાવવા અંગે કોઈ જાહેરાત ન થતા હવે ગુરૂૂવારથી રાબેતા મુજબ સ્કૂલ કેમ્પસો ધમધમતા થશે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ગત તા.6મેથી 9મી જુન સુધી ઉનાળાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ઉનાળાના વેકેશન માટેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો હતો. જોકે, મોટાભાગની સ્કૂલોના શિક્ષકો લોકસભાની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી વેકેન સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એકેડેમિક કેલેન્ડર પ્રમાણે વેકેન સ્થગિત કરીને શાળા અને કોલેજોમાં એક સાથે 9મી મે એટલે કે ચૂંટણી પુરી થયા બાદ વેકેન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં અંદાજે 43 હજારથી વધારે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ અને 11 હજારથી વધારે સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ સ્કૂલો મળીને 54 હજારથી વધુ સ્કુલોમાં ગત તા.8મી મેથી 12 જૂન સુધી ઉનાળાનું 35 દિવસનું વેકેશન આપવામાં આવ્યું હતું.