ટોક્યોમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન પ્રમુખનું નિવેદન
તાઈવાન અમારો અભિન્ન હિસ્સો છે, આંતરિક બાબતોમાં દખલ કરવાનું અમેરિકાને ભારે પડશે : ચીનના જવાબથી તંગદિલી વધી
ખાસ-ખબર સંવાદદાતા
ક્વાડ બેઠકમાં ભાગ લેવા માટે જાપાન પહોંચેલા અમેરિકાના પ્રમુખ જો બાઈડને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જો તાઈવાન ઉપર ચીન હુમલો કરશે અમેરિકન સૈન્ય તાઈવાનની મદદમાં ઉતરશે. આ નિવેદનનો ચીનના વિદેશ મંત્રાલયે ભારે વિરોધ કર્યો હતો. ચીને અમેરિકાને દખલગીરી ન કરવાની તાકીદ કરી હતી.
અમેરિકાના પ્રમુખ જો બાઈડન જાપાનમાં ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જાપાનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના પ્રમુખને સવાલ કરાયો હતો કે જો ચીન તાઈવાન ઉપર હુમલો કરશે તો અમેરિકા તાઈવાનનું રક્ષણ કરશે? આ સવાલના જવાબમાં બાઈડને કહ્યું હતું: હા. અમેરિકાની તાઈવાન તરફની નીતિ વર્ષોથી સ્પષ્ટ છે. જો ચીન તાઈવાન ઉપર હુમલો કરશે તો અમેરિકા-જાપાન મળીને ચીનને જવાબ આપશે. અમેરિકા તાઈવાનને એક સ્વાયત રાષ્ટ્ર માને છે અને એમાં કોઈ જ ફરક પડશે નહીં. તાઈવાનને તેની સત્તા સ્વયં સંભાળવાની જોગવાઈ છે. જો એમાં કોઈ બાંધછોડ કે ષડયંત્ર થશે તો અમેરિકન સૈન્ય મદદમાં તૈયાર રહેશે.
બાઈડને પ્રમુખ બન્યા પછી પ્રથમ વખત ચીનને તાઈવાન બાબતે આવા સ્પષ્ટ શબ્દોમાં વિદેશની ધરતી પરથી મેસેજ આપ્યો હતો. અમેરિકન પ્રમુખે કહ્યું હતું કે ચીન તાઈવાનની જળસીમામાં વારંવાર ઘૂસણખોરી કરીને મોટી ભૂલ કરે છે.
બાઈડનના નિવેદન પછી ચીને પણ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા ચીનની આંતરિક બાબતોમાં દખલ કરશે તો ભારે પડશે.