ઘણા દેશોએ રશિયા સાથે સંબંધો બગાડી નાખ્યા છે એવું ભારત પણ કરે : અમેરિકા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
યુક્રેન અને રશિયાના યુધ્ધની સૌથી મોટી અસર ભારત અને અમેરિકાના સંબંધો પર પડી છે. અમેરિકા નાટો અને યૂરોપિયન દેશો સહિતના દેશોને યુક્રેનને સમર્થન આપવા પર જોર મુકી રહયું છે. આર્થિક પ્રતિબંધો દ્વારા વિશ્વથી રશિયાને અલગ પાડી દેવા પ્રયાસો તેજ કર્યા છે ત્યારે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોથી અમેરિકા ફરી ભડકયું છે. અમેરિકાનું માનવું છે કે યુક્રેન યુધ્ધ પછી ઘણા દેશોએ રશિયા સાથે સંબંધો બગાડી નાખ્યા છે એવું ભારત પણ કરે. અમેરિકાના પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ જો બાયડનના મુખ્ય આર્થિક સલાહકાર બ્રાયન ડીઝએ ભારતને ચેતવણી આપી હતી કે રશિયા સાથે સારા સંબંધો રાખશો તો ભોગવવું પડશે.
મીડિયા રિપોર્ટ અનુસાર બ્રાયન ડીઝે આ ધમકી રશિયા સાથેના ગઠબંધન સંદર્ભમાં આપી છે. યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો એ પછી ભારતના વલણથી અમેરિકા ઘણું નારાજ છે. ખાસ કરીને ચીન અને ભારતના નિર્ણયોથી નારાજગી છે. જાપાન રશિયા પર એક પછી એક આર્થિક પ્રતિબંધો લાદી રહયુ છે પરંતુ ભારતે અત્યાર સુધી કોઇ પ્રતિબંધની જાહેરાત કરી નથી .
એટલું જ નહી રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદી રહયું છે. આ મુદ્વે અમેરિકા અને ભારત વચ્ચે ખટાશ વધતી જાય છે. અમેરિકા એક જ સપ્તાહમાં બીજીવાર ભારતને ચેતવણી આપી છે. અગાઉ રાષ્ટ્રપતિ જો બાઇડનના ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપસિંહે પોતાની ભારતયાત્રા દરમિયાન ચીનના સંભવિત એલએસી ઉલંઘનનો દાખલો આપીને રશિયા એ સમયે ભારતને મદદ માટે નહી આવે એવી ચેતવણી આપી હતી.