સેમી કંડકટર્સ, અને કવોન્ટમ કોમ્પ્યુટર ક્ષેત્રોમાં ચીનમાં અમેરિકી કંપનીઓ રોકાણ નહીં કરી શકે
ખાસ-ખબર સંવાદદાતા
બાયડન પ્રશાસન થોડા દિવસોમાં જ ચીનમાં અમેરિકી કંપનીઓનાં રોકાણ ઉપર પ્રતિબંધોની ઘોષણા કરનારૂં છે. જેફરીઝના વિખ્યાત વિશ્લેષક ક્રીસ્ટાફેર વૂડે એક સંશોધન પત્રમાં જણાવ્યું છે કે બાયડનનું લક્ષ્ય આગામી સપ્તાહોમાં એક આદેશ પ્રસિદ્ધ કરી અમેરિકી વ્યવસાયો દ્વારા ચીનમાં સેમી કંડકટર્સ, આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ અને કવોન્ટમ કોમ્યુટર જેવા ક્ષેત્રોમાં ચીનમાં કરાતાં રોકાણો પર પ્રતિબંધ મુકવામાં આવશે.
આ સાથે વૂડે તેમ પણ કહ્યું હતું કે આ મહત્વનાં ક્ષેત્રોમાં તો ચીનમાં રોકાણ કરવા ઉપર પ્રતિબંધ હશે જ પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ રોકાણ કરતાં પહેલાં ફેડરલ ગવર્નમેન્ટને સૂચિત કરાવી જ પડશે.
વૂડે કહ્યું કે જાપાનમાં 19 મે થી શરૂ થનારી જી-7ની શિખર પરિષદમાં પણ સભ્ય દેશોને આ પ્રકારના પ્રતિબંધો મુકવા માટે અનુરોધ કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 2021ના અંતમાં અમેરિકી કંપનીઓ દ્વારા કરાતું રોકાણ 118 અબજ ડોલર જેટલું હતું જે પૈકી 57 અબજ ડોલર એટલે કે 48% રોકાણ ઉક્ત ક્ષેત્રોમાં હતું.