ઈરાનને ફ્રીઝ કરાયેલા 6 અબજ ડોલર પણ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકા અને ઈરાને કેદીઓની આપ-લે માટે કરાર કર્યો છે. આ મુજબ અમેરિકા 5 ઈરાની કેદીઓને મુક્ત કરશે. તેના બદલામાં ઈરાન 5 અમેરિકન કેદીઓને મુક્ત કરશે. આ સિવાય ઈરાનના ફ્રીઝ કરાયેલા 6 બિલિયન ડોલર ટ્રાન્સફર કરવા માટેની અમેરિકાએ મંજૂરી આપી દીધી છે. અમેરિકાના ઈરાન પર લગાવાયેલા પ્રતિબંધો આ ફંડ ટ્રાન્સફર પર લાગુ થશે નહીં. આ મુક્તિ હેઠળ, દક્ષિણ કોરિયામાં ફ્રીઝ કરાયેલું ઈરાનનું ભંડોળ કતાર સેન્ટ્રલ બેંકને મોકલવામાં આવશે. ઈરાન તેનો ઉપયોગ માનવતાવાદી સામાન ખરીદવા માટે કરી શકશે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગયા અઠવાડિયે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. યુએસ કોંગ્રેસને સોમવાર એટલે કે 11 સપ્ટેમ્બર સુધી આ નિર્ણય વિશે જાણ કરવામાં આવી ન હતી. અમેરિકન અને ઈરાનના અધિકારીઓએ એક મહિના પહેલા સમજૂતી અંગે વાત કરી હતી.આ કરારને લઈને રિપબ્લિકન પાર્ટીના સમર્થકો રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈરાન અમેરિકા અને મધ્ય પૂર્વમાં તેના સહયોગી દેશો માટે ખતરો બની રહ્યું છે. આ ડીલથી ઈરાનની અર્થવ્યવસ્થાને ફાયદો થશે.