પાકિસ્તાન પર નજર, ભારતે તાલિબાન સાથે સંબંધો મજબૂત કર્યા, કાબુલ એમ્બેસી ફરીથી ખોલવા માટે તૈયાર છે
વિદેશ પ્રધાન જયશંકરે શુક્રવારે તાલિબાનના વિદેશ પ્રધાન સાથે બેઠક યોજી હતી જેમાં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી નવી દિલ્હી અને કાબુલ વચ્ચેની ઉચ્ચતમ સ્તરની વાતચીત તરીકે જોવામાં આવે છે.
- Advertisement -
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી તાલિબાનના વરિષ્ઠ નેતા માટે ભારતનું આ પ્રથમ ઉચ્ચ સ્તરીય સ્વાગત છે. તેઓ આઠ દિવસની ભારત મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, રાજકીયથી માંડી આર્થિક સુધીના વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં આજે થયેલી ચર્ચામાં ભારતે ફરીથી કાબુલમાં એમ્બેસી ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે.
દિલ્હીમાં આજે શુક્રવારે ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. ભારતે કાબુલમાં પોતાના ટેક્નિકલ મિશનને દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં અફઘાન પ્રતિનિધિમંડળનું ઉમેળકાભેર સ્વાગત કર્યું હતું. બેઠક દરમિયાન તેમણે ભારતની સુરક્ષા પ્રત્યે અફઘાનિસ્તાનની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ‘આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવાનું એક પગલું છે. જે સંયુક્ત હિતો માટે નિર્ણય લેશે. આતંકવાદના તમામ રૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવાના પ્રયાસમાં સમન્વય કરવો આવશ્યક છે. બંને દેશ આ મુદ્દે એક સાથે કામ કરશે.’ નોંધ લેવી કે અફઘાનિસ્તાનમાં પણ પાકિસ્તાનના આતંકીઓ દ્વારા હુમલા થતાં રહેતાં હોય છે. ભારતે પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં આતંકવાદ વિરૂદ્ધ વાર્તાલાપ કર્યો હતો. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતનું વલણ એ છે કે અફઘાન લોકોએ પોતાનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ.
- Advertisement -
અફઘાનના વિદેશ મંત્રી શું બોલ્યા?
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત સાથે મિત્રતાને ગાઢ બનાવતાં જણાવ્યું હતું કે, અમેરિકાના કબજા દરમિયાન અનેક ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. પરંતુ અફઘાનિસ્તાને ક્યારેય પણ ભારત વિરૂદ્ધ નિવેદન આપ્યું નથી. અમે હંમેશા ભારત સાથે સારા સંબંધોને મહત્ત્વ આપીએ છીએ. અફઘાનિસ્તાન કોઈપણ સૈન્ય બળને પોતાના જમીનનો ઉપયોગ બીજા દેશોની વિરૂદ્ધ ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.
મુત્તાકીએ છેલ્લા ચાર વર્ષમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ દરમિયાન સર્જાયેલી તબાહીમાંથી બહાર આવવા માટે ભારતે કરેલી મદદનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ મદદ દર્શાવે છે કે, કપરાં સમયમાં ભારત અફઘાનિસ્તાનની સાથે ઉભુ છે. અફઘાનિસ્તાન ભારતને એક ગાઢ મિત્ર ગણે છે. બંને દેશો વચ્ચેની સમજદારીને ધ્યાનમાં લેતાં હવે ક્ષમતાઓ અને તકોનો લાભ ઉઠાવવાની જરૂર છે. બંને દેશો વચ્ચે વ્યવહારિક સહયોગ પણ ગાઢ બનાવવા પર ભાર મૂક્યું છે.




