વડોદરામાં જળબંબાકાર
પૂરનું સંકટ હજી ટળ્યું નથી: લોકોની ઊંઘ હરામ, કાલાઘોડા બ્રિજ બંધ: 3 સ્થળે મગર દેખાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા, તા.27
વડોદરા શહેર પર પૂરનું સંકટ આજે પણ યથાવત છે. વિશ્વામિત્રી નદી હાલ 29.13 ફૂટની ઉપર વહી રહી છે. આથી નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા 500થી વધુ ઘરોમાં હજુ 10 ફૂટ પાણી ભરાયેલા છે. પૂરના પાણી ઘરમાં ઘૂસી જતા લોકો બે-બે રાતથી ઊંઘી શક્યા નથી. વિશ્ર્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી આજે પણ વાહન વ્યવહાર માટે કાલાઘોડા બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.
ગઈકાલે રાત્રે 12 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 29.33 હતી. જેની સામે આજે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નજીવો ઘટાડો થયો છે. જો કે, શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું નથી. જો આજે વરસાદ વધુ પડે તો શહેર પર સંકટ વધી શકે છે અને વરસાદ ન થાય તો વિશ્ર્વામિત્રી નદીની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થશે. આજના ડેમની સપાટી હાલ 212.15 ફૂટ છે. જે સપાટી હાલ સ્થિર છે. એટલે કે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ખાસ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટ છે. જેને પગલે ગઈકાલથી જ શહેરના વડસર, કોટેશ્ર્વર અને અકોટા ગામ પાણીમાં ગરકાવ છે. આ ઉપરાંત પરશુરામ ભઠ્ઠો, કમાટીપુરા, કલ્યાણનગર, જલારામનગર અને સંજયનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આજે પણ આ તમામ વિસ્તારો પાણીમાં જ છે. આ વિસ્તારના રહીશો પાણી ભરાવાની સમસ્યાના કારણે ત્રસ્ત છે. ઘણા લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. તો ઘણા લોકો પોતાના ઘરમાં જ ઉપરના માળે જતા રહ્યા છે. જો કે, આ લોકોની મુશ્ર્કેલીનો ક્યારે અંત આવશે તે તેઓ પણ જાણતા નથી.
NDRF, SDRFની ટીમ ખડેપગે
વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતને કારણે 700 જેટલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા અને 4200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજી પણ ઘણા લોકો પોતાના ઘરોમાં છે. જો વિશ્વામિત્રી નદીની સપાટી વધશે તો આ લોકોને પણ રેસ્ક્યૂ કરવા પડશે. વડોદરા શહેર પર પૂરના સંકટને પગલે એનડીઆરએફ, એસડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો સતત કાર્યરત છે અને જ્યાં જરૂર પડ્યે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
પૂર્વ ઝોનમાં ફતેપુરા, હીરા શક્તિ મોહલ્લો, રામાપીર મોહલ્લો, રાજીવનગર, એકતાનગર, અને કુંભારવાડા વિસ્તારના લોકોને વી2 ભગતસિંહ સ્કૂલ, ઇન્દુલાલ સ્કૂલ, પશ્ર્ચિમ ઝોનમાં દશામાં તળાવ, બીલ તળાવ, રણજીત નગર, અકોટાગામ, કલાલીગામ, મુજમોહડાના નાગરિકોને બિન પ્રાથમિક શાળા, સી.કે પ્રજાપતી સ્કૂલ, ઉતર ઝોનમાં પેન્શનપુરા, નવિનગરી, જલારામનગર વસાહત, દક્ષિણ ઝોનમાં હનુમાન ટેકરી, વડસર સહિતના વિસ્તારમાંથી 4200થી વધુ નાગરિકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા.