કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 મેના રોજથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી ત્યારે ખરેખર હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો આ સાથે ગઈ કાલે મોડી સાંજથી સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. ચોટીલા, મૂળી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિત તાલુકા મથકોમાં સવારથી વાદળ છાયું વાતાવરણ છવાયું હતું જે બાદ મોડી સાંજે જોરદાર પવન સાથે ગાજવીજ શરૂ થયું હતું અને અચાનક જ કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદના લીધે અનેક ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ પાકને નુકશાન થયું હતું જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પણ ભીંજાઈ હતી. જોકે ગત રાત્રીએ પડેલા વરસાદના લીધે ભારે ઉકળાટ અને ગરમીમાં થોડા અંશે રાહત અનુભવાઈ છે.



