સુસવાટા મારતા પવન સાથે કચ્છ, અમરેલી, ભાવનગર, ખંભાળીયા, ભાણવડ, કોટડા સાંગાણીમાં કમોસમી વરસાદ ખાબકયો: અનેક સ્થળે તેજ પવનથી છાપરા-નળીયા ઉડયા: અમુક સ્થળે કરા પણ પડયા.
- Advertisement -
વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગઈકાલે સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.કચ્છ, અમરેલી, ભાવનગર, દ્વારકા, રાજકોટ જિલ્લા તથા સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં માવઠા વરસતા ખેડૂતો ભારે ચિંતાતુર બની ગયા હતાં.કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે પવનની સાથે ધુળની ડમરીઓ ઉડી હતી.જેને પગલે ઘરના નળીયાઓ અને છાપરા હવામાં ફંગોળાયા હતાં. તેમજ કેટલીક જગ્યાએ કરા પણ પડયા હતા.
રાપર તાલુકાના હાઈવે પટ્ટીના ગાગોદર, કીડીયાનગર, સંય ભીમદેવ કા માનાબા પેઠાપર સહિતના ગામોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગાંધીધામ, અંજાર, ભુજ, તાલુકામાં વરસાદ વરસ્યો હતો.અતિભારે પવન સાથે ધુળની ડમરીઓ અતિશય પવન ફુંકાવાના કારણે રાહદારીઓને આવન જાવનમાં મુશ્કેલી ઉભી થઈ હતી.
- Advertisement -
એક તરફ ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જામતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી.બીજી તરફ માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન થાય એવી ભીતિ ઉભી થઈ છે.આ સિવાય અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.ધારી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
ધારી ગીરના દલખાણીયા આંબાગાળા પાણીયા મીઠાપુર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યાના અહેવાલ છે.ભર ઉનાળે ધારી ગીરના ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડયા છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છુટાછવાયા કમોસમી માવઠા વરસ્યાના અહેવાલો છે. સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણ પલ્ટો આવ્યો હતો.
જેમાં પોશીના પંથકમાં પવન સાથે છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. જયારે હિંમતનગરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને મહેસાણામાં પણ વરસાદી છાંટા પડયા હતાં. ઉપરાંત વડાલી તાલુકાના કેટલાક ગામોમાં વાવાઝોડા સાથે કમોસબી વરસાદી ઝાપટું પડયું હતું.હિમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડરમાં મોડીસાંજ બાદ આકાશ વાદળોથી ઘેરાયું હતું.
હિંમતનગરમાં વાવાઝોડું ફુંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી મહાસાણામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.મહેસાણામાં સામાન્ય છાંટા પડયા બાદ વરસાદ બંધ થયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રવિવારે બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો. કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જયારે કોટડાસાંગાણીમાં ગાજવીજ પવન સાથે વરસાદ પડયો હતો. સાંજના સમયે 6.30 વાગ્યે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો થોડા સમય વાદળ છાયું વાતાવરણ બાદ ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો.કોટડા સાંગાણી તાલુકામાં ખરેડા રાજગઢ માણેકવાડા રામોદ વગેરે જગ્યાએ કમોસમી વરસાદ અહેવાલો છે.