ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાંયા વાતાવરણની સાથે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. જેમાં 2.19 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા જીરૂૂ-ઘઉં સહિત પાકને નુકસાનીની ભીતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ ધ્રાંગધ્રામાં 68,777 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.ત્યારે ઝાલાવાડમાં માવઠાની આગાહી વચ્ચે શિયાળું વાવેતર ઉપર ખતરાના મંડાણ જોવા મળી રહ્યાં છે. ગત નવેમ્બર મહિનાની સરખામણીએ 1,89,936 હેક્ટરમાં વાવેતર વધી કુલ 2,19,568 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જે પૈકી સૌથી વધુ ઘઉં, જીરૂૂ, ચણાંનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરમાં 16 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે માવઠાંની આગાહી કરતાં જીરુના પાકને લઈ ચિંતા વ્યક્ત કરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે અંદાજે 6,24,456 લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર થાય છે. આ વર્ષે ઓગસ્ટમાં માવઠા બાદ 29,623 હેક્ટરમાં આગાતરૂૂ વાવેતર થયું હતું. જે બાદ 1 મહિનામાં વધુ 1,89,936 હેક્ટરમાં વાવેતર વધ્યું છે. જેમાં સૌથી વધુ જીરૂૂ, ઘઉં અને વરિયાળીનો સમાવેશ થાય છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી કરતાં ભેજને લઇ જીરૂૂના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે નિવૃત્ત ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, જીરૂૂનો પાક સેન્સિટીવ હોવાથી માવઠું થાય તો તુરંત પાણીનો નિકાલ કરવો જેથી નુકસાનીથી બચી શકાય. આ વર્ષે સૌથી વધુ ધ્રાગધ્રામાં 68,777 હેક્ટર, વઢવાણમાં 41,330 હેક્ટરમાં વાવેતર થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.