હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 18 થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને 18 અને 19 માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસી શકે છે.
આવતીકાલે બુધવારે કયા જિલ્લામાં વરસાદની આગાહી?
- Advertisement -
18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેને પગલે ખેડૂતોમાં ઉભા પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે.

20 માર્ચ બાદ વાતાવરણ થશે ચોખ્ખું
- Advertisement -
19 માર્ચના રોજ વરસાદની શક્યતા વધશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જે બાદ વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે.

રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ‘આજે 17 તારીખે તો હવામાન શુષ્ક રહેશે, પણ 18, 19 અને 20 તારીખે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જેમાં 19 તારીખે વરસાદનો વ્યાપ વધારે રહેશે. 18 તારીખે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ પડી શકે છે, જ્યારે 19 તારીખે ઉત્તર ગુજરાતના દાહોદ-પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. 18 અને 19 તારીખે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ થશે અને પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

20 માર્ચે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છના અમુક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જોકે હાલમાં રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી અને અમદાવાદમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ બધું દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઈ રહ્યું છે.’




