ઉંદરડી માતાજીનાં મંદિર નજીક ખનીજ માફિયાઓ સક્રિય: ખાણ ખનીજ વિભાગના ભેદી મૌન સામે રોષ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ દોઢ વર્ષ પહેલાં પણ રજૂઆત કરી ખનીજ ચોરી અટકાવી હતી, પરંતુ હાલમાં ફરી ઉંદરડી માતાજીનાં મંદિર નજીકથી બેરોકટોક ખનીજ ચોરી થઈ રહી છે. સરપંચે લેખિત રજૂઆત કરીને ખુલ્લેઆમ થતી આ કુદરતી સંપદાને થતું નુકસાન અટકાવવા માંગ કરી છે. જો ખનીજ ચોરીની પ્રવૃત્તિ બંધ નહીં કરાય તો આગામી સમયમાં ગ્રામજનોને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવશે તેવી ઉગ્ર ચીમકી પણ સરપંચ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.



