ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જે ધરતી પરથી બ્રિટિશ હકુમતે સમગ્ર વિશ્વ પર શાસન કર્યું, એ જ લંડનની ઐતિહાસિક ભૂમિ પર ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવનની ગાથા ગુંજી ઉઠી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (ગઈૠઘ) યુકે અને પાટીદાર સમાજની વૈશ્વિક સંસ્થા સરદારધામના સંયુક્ત ઉપક્રમે, સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે લંડનના પ્રતિષ્ઠિત નવનાથ સેન્ટર ખાતે ‘સરદાર કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેને બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. સરદાર સાહેબના વિચારોને સાંભળવા અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે એટલી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા કે વિશાળ હોલની બેઠક વ્યવસ્થા પણ ઓછી પડી ગઈ, જે બ્રિટનની ધરતી પર સરદાર પ્રત્યેના અપ્રતિમ આદર અને પ્રેમનું પ્રતિક હતું. આ ગરિમામય પ્રસંગે હેરો વિસ્તારના મેયરશ્રી અંજનાબેન પટેલ સહિત અનેક મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કથાના પ્રથમ દિવસે, પ્રખર વક્તા શ્રી શૈલેષભાઈ સગપરિયાએ પોતાની આગવી શૈલીમાં સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણના સંસ્મરણો, તેમના સંઘર્ષપૂર્ણ વિદ્યાર્થી જીવન અને ખાસ કરીને તેમના લંડન નિવાસ દરમિયાનના પ્રેરક પ્રસંગોને શબ્દદેહ આપીને જીવંત કરી દીધા હતા. તેમણે સરદાર સાહેબના ત્યાગની ભાવનાને ઉજાગર કરતાં જણાવ્યું કે કેવી રીતે પોતાના બેરિસ્ટર બનવાના સ્વપ્નને બાજુ પર મૂકીને તેમણે મોટાભાઈ વિઠ્ઠલભાઈને અભ્યાસ માટે લંડન મોકલ્યા અને બાદમાં પોતે પણ અહીં અભ્યાસ અર્થે આવ્યા.
- Advertisement -
આ પ્રસંગો દ્વારા સરદારના જીવનમાંથી મળતી પારિવારિક જવાબદારી, દ્રઢ નિશ્ચય અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની શીખને તેમણે અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરી. સતત ત્રણ કલાક સુધી ચાલેલી આ કથા દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓએ પિન ડ્રોપ સાયલન્સ સાથે, સંપૂર્ણ એકાગ્રતાથી કથાનું રસપાન કર્યું હતું. શ્રી સગપરિયાએ સરદાર સાહેબના એક પ્રવચનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું, જેણે તેમની નિર્ભયતાનો પાયો નાખ્યો હતો: જ્યારે હું લંડન અભ્યાસ માટે આવ્યો ત્યારે મેં જોયું કે ભારતમાં રાજા-મહારાજાની જેમ રહેતા અંગ્રેજો અહીં પોતાના દેશમાં એક સામાન્ય નાગરિક તરીકે જીવન જીવે છે.
આ દ્રશ્ય જોયા પછી મારા મનમાંથી ભય નીકળી ગયો કે આપણામાં અને તેમનામાં કોઈ ફરક નથી, અને આ જ વિચારે મને અંગ્રેજ શાસનનો નિર્ભયતાપૂર્વક સામનો કરવાની અસીમ હિંમત આપી.આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરીયાએ પોતાનું વક્તવ્ય આપતાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે લંડનમાં સરદારધામ અને ગઈૠઘ દ્વારા આયોજિત આ કથા સરદારના વિચારોને વૈશ્વિક ફલક પર પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ છે. તેમણે શ્રોતાઓના ઉત્સાહને બિરદાવતા કહ્યું કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે સૌએ સાથે મળીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાનું છે.
સરદારધામનો મૂળ સંદેશ સ્પષ્ટ કરતાં તેમણે ઉમેર્યું કે, કોઈપણ કાર્ય વ્યક્તિગત ભાવનાથી નહીં, પરંતુ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની સામૂહિક ભાવનાથી કરવામાં આવે તો ભારતને વિકસિત અને વિશ્વ ગુરુ બનતા કોઈ રોકી શકે નહીં. અત્રે એ ઉલ્લેખનીય છે કે લંડન અને બ્રિટનની આ જ ભૂમિએ ભારતના અનેક સપૂતોને ઘડ્યા છે, જેમણે અહીંથી શિક્ષણ અને દીક્ષા મેળવીને ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપ્યું. આ મહાન વિભૂતિઓમાં મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય અને સરોજિની નાયડુ જેવા અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓનો સમાવેશ થાય છે. આમ, આ ‘સરદાર કથા’ એ માત્ર એક કાર્યક્રમ ન રહેતા, બ્રિટનની ધરતી પર ભારતીય રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ચેતનાનું એક શક્તિશાળી કેન્દ્ર બની રહી હતી.
વક્તા શૈલેષભાઈ સગપરિયાએ સરદાર પટેલના જીવન-પ્રસંગોને જીવંત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
લંડનના નવનાથ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં હેરોના મેયર અંજનાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ