કેનાલનું પાણી વોકળામાં વહી જતા છેવાડાના ખેડૂતો પિયતના પાણીથી વંચિત
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં પિયતનું પાણી નહીં પહોંચવાની અનેક રાવ ઉઠતી હોય છે. ત્યારે ફરી એકવખત તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતે રાવ કરી છે. જેમાં ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી રણજીતગઢ માઇનોર ડી-19 કેનાલમાં પિયતના પાણી માટે છેવાડાના ખેડૂતો વલખા મારી રહ્યાં છે. જ્યારે વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું. કે માઇનોર કેનાલને તોડીને વોકળામાં પાણી પસાર કરવામાં આવે છે. જેથી કરીને કેનાલમાં છેવાડાના ખેડૂતોને પાણી પહોંચતું નથી અને આશરે હજારો એકર જમીન પિયતથી વંચિત રહે છે. જેથી કરીને તંત્ર દ્વારા કેનાલનું સમારકામ કરી છેવાડાના ખેડૂતોને પિયતના પાણીનો લાભ મળે તે માટે કામગીરી કરવા માટે માગણી કરી છે.
હળવદ તાલુકાના રણજીતગઢ માઇનોર ડી-19 કેનાલમાંથી રણજીતગઢ, રાયસંગપુર, ચાડધ્રાના ખેડૂતોને પિયતના પાણીનો લાભ મળે છે. જેમાંથી હજારો એકરને પિયતનો લાભ મળે છે. ત્યારે રાયસંગપર પાસે રણજીતગઢ ડી-19 માઇનોર કેનાલમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા કેનાલ તોડીને વોકળામાં પાણી વહાવી દેવામાં આવ્યું છે. જેથી કરીને છેવાડાના ખેડૂતો પિયતના પાણીથી વંચિત રહે છે. જ્યારે આ ઓકળામાં પાણી વહી જતું ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને કોઇપણ પ્રકારની રજૂઆત મળી નથી.